પોરબંદરઃ ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ દ્વારા રથયાત્રા પહેલાં જ પોરબંદરમાં સૌથી મોટું ઓપરેશન પાર પાડી આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસન પ્રોવિન્સ સાથે સંકળાયેલાં એક મહિલા અને ત્રણ યુવકોને ઝડપી લેવામાં આવ્યાં હતાં. આ મોડ્યુલમાં શ્રીનગરના વધુ એક યુવકની પણ સંડોવણી સામે આવી છે. એટીએસ દ્વારા ઝડપાયેલા આરોપીઓ પાસેથી આત્મઘાતી હુમલા કરવા, અફઘાનિસ્તાન પહોંચવાના પ્લાનિંગ સહિતના દસ્તાવેજ મળી આવ્યા છે.
આ આતંકીઓની તપાસમાં અનેક દસ્તાવેજો, મોબાઈલ, ટેબ્લેટ અને તીક્ષ્ણ હથિયારો, ISKPનાં બેનર,ે ધ્વજ સાથેના ફોટો, નિષ્ઠાનાં શપથ લેતી ઓડિયો ક્લિપ મળી આવ્યાં છે. તો સુમેરાબાનુના ઘરેથી પણ આતંકી સંગઠનનાં પ્રકાશનો મળ્યાં છે.
આરોપીઓનું આતંકવાદી સંગઠન સાથે કનેક્શન
ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ATS દ્વારા કરવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપવામાં આવી કે, પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિન્સ (ISKP) સાથે સંકળાયેલા ત્રણ યુવાનો પોરબંદર દરિયાકાંઠાના માર્ગે ભારત છોડી ઇસ્લામિક એમિરાત ઓફ અફઘાનિસ્તાન જવાના હતા. આ માહિતીના આધારે ગુજરાત એટીએસની ટીમે 9 જૂને ત્રણ યુવાનોની ઓળખ કરી વધુ પૂછપરછ માટે ઝડપી લેવાયા હતા. જેમાં શ્રીનગરના ઉબેદ નાસીર મીર, હનાન હયાત શોલ અને મોહંમદ હાજીમ શાહનો સમાવેશ થાય છે.
ફિદાયીન હુમલો કરવાની હતી સુમેરાબાનુ
સુરતથી ઝડપી લેવાયેલી સુમેરાબાનુએ એટીએસ સમક્ષ કબૂલાત કરી કે, તે સુરતની કોર્ટમાં ફિદાયીન હુમલો કરવા તૈયાર હતી, જેની રેકી પણ કરી રાખી હતી. બસ કમાન્ડન્ટના આદેશની રાહ જોવાતી હતી. પતિ સાથે અણબનાવથી પરત આવતાં તેણે પોતાના કેસની સુનાવણી સમયે કોર્ટના સુરક્ષાઘેરાથી માંડીને જજ અને વકીલોની અવરજવરની પણ રેકી કરી હતી. સૂત્રોનું કહેવું છે કે સુમેરાબાનુએ ગાંધીનગર ભાજપના કાર્યાલય ‘કમલમ્’ અને ત્યાં આવતા-જતા કેટલાક નેતાઓની પણ રેકી કરી હતી.
ISKPનો વ્યાપ વધારવાનું કામ હેન્ડલર ઝુબેરે સોંપેલું
પોરબંદરથી ઝડપાયેલા 3 અને સુરતથી ઝડપાયેલી સુમેરાબાનુ બાદ શ્રીનગરથી તેમના હેન્ડલર ઝુબેરની પણ શ્રીનગરથી ધરપકડ કરી લેવામાં આવી છે. ઝુબેરની પૂછપરછમાં સામે આવ્યું છે કે, પાકિસ્તાનસ્થિત આતંકી અબુ હમ્ઝા ભારતમાં ISKPમાં વધારે શખ્સોને જોડવા તેમજ શહાદત માટે આતંકીઓ તૈયાર કરતો હતો, જેની હેઠળ શરિયાના કાયદાથી પ્રભાવિત શખ્સોને ISKPમાં જોડવા માટે હેન્ડલર ટાર્ગેટ કરતા હતા. અત્યાર સુધીમાં ISKP દ્વારા ભારતમાં કોઈ હુમલો કરવામાં આવ્યો ન હોવાનું પણ એટીએસની તપાસમાં બહાર આવ્યું છે.
પોરબંદરથી ઝડપાયેલા શ્રીનગરના 3 આતંકી રોજગાર ન હોવાથી કટ્ટરવાદી વીડિયો, લેખ સહિતનાં સાહિત્ય સોશિયલ મીડિયામાં જોઈ પ્રભાવિત થયા હતા, જે બાદ ત્રણેય ઝુબેર અહેમદ મુનશીના સંપર્કમાં આવ્યા હતા. ઝુબેરે ત્રણ મહિના સુધી તેઓ શરિયાથી પ્રભાવિત થાય તેવા વીડિયો અને સાહિત્ય મોકલતો હતો. બાદમાં ઝુબેરે શ્રીનગરની ઓફિસમાં ત્રણેય શખ્સોને ભેગા કરીને સુમેરાબાનુ સાથે મુલાકાત કરાવી હતી. સુમેરાબાનુના આદેશથી ત્રણ શખ્સો તમામ પ્રકારની કામગીરી કરતા હતા.

