ડિંગુચા કેસ મામલે કેનેડા પોલીસની ગુજરાતમાં તપાસ

Wednesday 14th June 2023 06:05 EDT
 
 

અમદાવાદઃ કેનેડામાં ડિંગુચા ગામના પટેલ પરિવારના 4 સભ્યોનાં મોત મામલે તપાસનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. ડિંગુચાના પટેલ પરિવારના મોત મામલે કેનેડા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને કેનેડા પોલીસની ટીમે ગુજરાત ધામા નાખ્યા છે.
કેનેડા પોલીસની ટીમ ગુજરાત પોલીસ સાથે મળીને અમદાવાદ અને અન્ય શહેરોમાં તપાસ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેનેડા પોલીસની ટીમ કેટલાક લોકોની પૂછપરછ કરી છે. આપને જણાવી દઈએ કે, જાન્યુઆરી 2022માં બોર્ડર ક્રોસ કરતી વખતે ડિંગુચા ગામના પટેલ પરિવારના ચાર સભ્યોનાં મૃત્યુ થયાં હતાં.
ડિંગુચા ગામનું નામ આવ્યું હતું ચર્ચામાં
એક વર્ષ અગાઉ અમેરિકા-કેનેડા બોર્ડર પર ઘૂસણખોરી કરવાના પ્રયાસ દરમિયાન મોતને ભેટેલા પટેલ પરિવારની ઘટના બહાર આવ્યા બાદ કલોલ નજીકના ડિંગુચા ગામનું નામ દુનિયાભરમાં ચર્ચાઈ રહ્યું હતુ. આ તરફ ડિંગુચા ગામના પરિવારના આ સભ્યોને ગેરકાયદે અમેરિકા મોકલનારા એજન્ટ ભરત ઉર્ફે બોબી પટેલની ભાડજ સર્કલ પાસેથી ધરપકડ કરાઈ હતી. ધરપકડ બાદ SMCએ બોબી પટેલની ઓફિસ અને નિવાસસ્થાને તપાસ કરી હતી. આ દરમિયાન SMCએ મહત્ત્વના ડોક્યુમેન્ટ જપ્ત કર્યા હતા.
ઠંડીથી પરિવારના ચાર સભ્યોનાં થયાં હતાં મૃત્યુ
ડિંગુચા ગામના પટેલ પરિવારના ચાર સભ્યોનાં થીજી જવાથી મૃત્યું થયાં હતાં. તેઓ પણ કેનેડાથી અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરી રહ્યા હતા, પરંતુ તાપમાન ખૂબ જ નીચું હોવાના કારણે તેઓ ઠંડી સહન કરી શક્યા નહોતા અને થીજી જવાથી તેમનું મૃત્યુ થયું હતું. મહત્ત્વનું છે કે ડિંગુચાનો પરિવાર દુબઈ થઈને ટોરેન્ટો ગયો હતો. તપાસમાં સામે આવ્યું છે કે વિનિપેગ ખાતે એજન્ટ દ્વારા પરિવારને છોડી દેવામાં આવ્યો હતો, જ્યાં ઠંડી વધારે હોવાથી પહેલાં બાળકોનાં મોત થયાં હતાં. એજન્ટ સાથેની આ ડીલ પ્રત્યેક વ્યક્તિદીઠ રૂ. 60થી 65 લાખમાં થતી હોવાનો પણ ઘટસ્ફોટ થયો હતો.
બોબી પટેલ સહિત ત્રણની કરાઈ હતી ધરપકડ
મહત્ત્વનું છે કે, અગાઉ ડિંગુચા ગામના પરિવારના આ સભ્યોને ગેરકાયદે અમેરિકા મોકલનારા એજન્ટ ભરત ઉર્ફે બોબી પટેલની ભાડજ સર્કલ પાસેથી ધરપકડ કરાઈ હતી. જે બાદમાં વધુ બે શખ્સ ભાવેશ પટેલ અને યોગેશ પટેલની ધરપકડ કરાઈ હતી. અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે ઝડપેલા બંને શખ્સ ભાવેશ પટેલ અને યોગેશ પટેલ 10 વર્ષથી એજન્ટ હોવાનું સામે આવ્યું હતું. આ સાથે તપાસમાં સામે આવ્યું હતું કે, 11 લોકોને અત્યાર સુધીમાં કેનેડા-અમેરિકા મોકલ્યા હતા.


comments powered by Disqus