પીએમની વડનગરની શાળાને બાળકો માટે પ્રેરણાકેન્દ્ર તરીકે વિકસાવાશે

Wednesday 14th June 2023 07:27 EDT
 
 

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરને ટૂરિસ્ટ હોટસ્પોટ બનાવવાના કેન્દ્ર સરકારના આયોજનના ભાગરૂપે મોદી વડનગરની જે શાળામાં ભણ્યા હતા તેને ‘પ્રેરણાકેન્દ્ર’ તરીકે વિકસાવવામાં આવશે. પ્રેરણા નામના આ નવા પ્રોજેક્ટ અંતર્ગત દેશના 740 જિલ્લામાંથી બે-બે બાળકો સ્ટડી ટૂરના ભાગરૂપે આ શાળામાં એક અઠવાડિયા સુધી રોકાશે અને પ્રેરણાત્મક વાતો સાંભળશે. વડનગરની આ શાળા 19મી સદીમાં બનેલી છે, જેને હવે પ્રેરણાદાયક સ્થળ તરીકે વિકસાવાશે.
શાળા 1888માં બની હતી અને 2018 સુધી તે કાર્યરત્ હતી. બાદમાં આર્કિયોલોજિકલ સરવે ઓફ ઇન્ડિયા દ્વારા તેનું રિડેવલપમેન્ટ હાથ ધરાયું હતું. 50 અઠવાડિયાં સુધી ચાલનારા ‘પ્રેરણા’ પ્રોજેક્ટ હેઠળ દર અઠવાડિયે દેશભરમાંથી 30-30 બાળકોની બેચ વડનગરમાં વડાપ્રધાન મોદીની શાળાની મુલાકાત લેશે. સંસ્કૃતિ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર સિલેક્શન પ્રોસેસ શરૂ થઈ ચૂકી છેે.
તેમને કોઈ લોકલ રેસિપી લાવવા અને તે વાનગી બનાવવા પણ કહેવાશે અને આ રીતે એક રેસિપી બુક તૈયાર કરાશે. વડનગરમાં 13 હજાર સ્ક્વેર ફૂટમાં ત્રણ માળનું એક મ્યુઝિયમ પણ આ વર્ષે ઓક્ટોબર સુધીમાં તૈયાર થઈ જશે, જ્યાં પ્રતિમાઓ, પ્રાચીનકાળના સિક્કા, 3ડી ડિસ્પ્લે, ઇન્સ્ટોલેશન્સ સહિતનાં આકર્ષણો હશે.
અઢી હજાર વર્ષ જૂનો ઈતિહાસ
વડનગરનો ઇતિહાસ 2500 વર્ષ જૂનો હોવાનું મનાય છે. વડનગરના ઉત્ખનનમાં અત્યાર સુધીમાં અઢી હજાર વર્ષની સંસ્કૃતિના પુરાવા મળી આવ્યા છે. સાતમી સદીમાં ભારત આવેલા ચીનના પ્રવાસી હ્યુએન ત્સાંગના પ્રવાસ વર્ણનમાં પણ વડનગરનો ઉલ્લેખ છે. વડનગરમાં બૌદ્ધ ધર્મનો પણ પ્રભાવ હતો. ત્યાં જૈન સ્મારકો પણ છે, જે સોલંકી શાસકો વંશના શાસકો દ્વારા બનાવાયા હતા. મહાભારતમાં તથા શાસ્ત્રો-પુરાણોમાં પણ વડનગરનું વર્ણન હોવાનું કહેવાય છે.


comments powered by Disqus