અમદાવાદઃ બિપરજોય વાવાઝોડું ગુજરાત પરથી પસાર થઈ ગયું, પરંતુ જ્યાંથી પસાર થયું ત્યાં અને અન્ય વિસ્તારોમાં મોટાપાયે તારાજી સર્જી દીધી. દરિયો પણ જાણે રોષે ભરાયો હોય તેમ ગરજતો હોય તેવાં દૃશ્યો સર્જાયાં હતાં, જેનાથી કાંઠા વિસ્તારના લોકોમાં ભયનું વાતાવરણ ઊભું થયું હતું. ગુજરાતના કચ્છના દરિયાકાંઠે બિપરજોય વાવાઝોડું ટકરાતાં રાજ્યના 9 તાલુકાનાં 442 જેટલાં ગામ અસરગ્રસ્ત થયાં હોવાનું પ્રાથમિક સરવેમાં સામે આવ્યું છે. કચ્છના ભુજ, માંડવી, લખપત, નલિયા; દ્વારકાના ઓખા; પાટણના રાધનપુર; સાબરકાંઠા; બનાસકાંઠાના દિયોદર અને વાવ; પાટણના રાધનપુર અને સરસ્વતી; આણંદના ભાદરણમાં અને મોરબીમાં બિપરજોયની વધુ અસર જોવા મળી છે.
આ તમામ 9 જિલ્લામાં ભારે વરસાદ અને ઝડપી પવનની થપાટે કાચાં મકાન, વૃક્ષો, હોર્ડિંગ્સ, વીજળીના થાંભલા, ઔદ્યોગિક શેડનાં છાપરાં પણ ઉડાવી દીધાં હતાં. જો કે 1998ના વિનાશક વાવાઝોડામાંથી શીખ લઈને આ વખતે સરકાર દ્વારા અગમચેતીનાં પગલાં લેવામાં આવ્યાં હોવાથી કોઈનું પણ મૃત્યુ ન થયું હોવાનું સામે આવ્યું છે.
રાજ્યમાં 94 હજાર લોકોનું કરાયું સ્થળાંતર
બિપરજોય વાવાઝોડાના કારણે રાજ્યમાંથી 94 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું, જેમને તેમના સ્થાનની સ્થિતિને ધ્યાને રાખી પરત મોકલવામાં આવશે. આ તમામ લોકોને રાજ્ય સરકાર દ્વારા પાંચ દિવસની કેશડોલ્સ ચૂકવવામાં આવશે.
અનક લોકોનું રસ્ક્યૂ કરવામાં આવ્યું
કચ્છના માંડવીના નિલકંઠ નગર ગામથીરા 15 જેટલા લોકોનો રેસ્ક્યૂ કરીને અર્ચના સ્કૂલ ખાતેના શેલ્ટર પર સુરક્ષિત રીતે ખસેડાયા હતા, જેમાં એક વૃદ્ધ દિવ્યાંગ મહિલા અને બાળકોનો સમાવેશ થાય છે. લખપતમાં પણ અતિભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં કમરસુધી પાણી ભરાઇ જતાં લોકો ઘરોમાં ફસાઈ ગયા હતા, જેમનું પણ રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. માંડવીના બાબાવાડી વિસ્તારમાં પાણી ઘૂસી જતાં સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા હતા, જેમનું NDRFની ટીમે સફળ રેસ્ક્યૂ કર્યું હતું. તો પોરબંદરમાં પણ પાણીમાં ફસાયેલા લોકોનું NDRF દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.
વીજથાંભલા ધરાશાયી થતાં અંધારપટ છવાયો
બિપરજોય ચક્રવાતના કારણે અનેક વિસ્તારોમાં વીજળીના થાંભલા પડી જવાથી લાંબા સમય સુધી અંધારપટ છવાયો હતો. એક અંદાજ પ્રમાણે સમગ્ર રાજ્યમાં ચક્રવાતના કારણે 19 હજાર જેટલા વીજળીના થાંભલા ધરાશાયી થયા હતા, જ્યારે 3700 કિ.મી. રસ્તાને પણ નુકસાન પહોંચ્યું છે.
76 ટ્રેન રદ કરાઈ, 31 ટ્રેનના રૂટ ટુંકાવ્યા
ચક્રવાતને લઈને વેસ્ટર્ન રેલવેએ 76 ટ્રેન રદ કરી દીધી હતી, જ્યારે 31 ટ્રેનના રૂટને ટુંકાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ભારે પવન અને ચક્રવાતના કારણે અણબનાવ ટાળવા માટે રેલવે વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ત્રણેય સેનાને રખાઈ હતી તહેનાત
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાતને કારણે સર્જાયેલા જોખમને ધ્યાનમાં રાખીને દરિયાકાંઠાના વિસ્તારોમાંથી 94 હજારથી વધુ લોકોને સ્થળાંતર કરી બચાવી લેવામાં આવ્યા હતા. તો રાહત અને બચાવ માટે સેનાની ત્રણેય પાંખોને પણ તૈયાર રાખવામાં આવી હતી. જે અંતર્ગત 15 જહાજો, 7 એરક્રાફ્ટ, NDRFની 18 ટીમને તહેનાત કરવામાં આવી હતી.
રાજ્યમાં એનડીઆરએફની 18 ટીમ રહી ખડેપગે
બિપોરજોય વાવાઝોડાને ટક્કર આપવા ગુજરાતભરમાં NDRFની 18 ટીમો ખડેપગે રહી હતી. NDRFના ડેપ્યુટી કમાન્ડન્ટે કહ્યું કે, રાજ્યમાં બિપરજોય વાવાઝોડાના ખતરા વચ્ચે કચ્છમાં 6, દ્વારકામાં 3, જામનગરમાં 2, રાજકોટમાં 2, ગીર સોમનાથમાં 1, પોરબંદરમાં 1, વલસાડમાં 1, મોરબીમાં 1, જૂનાગઢમાં 1 અને દીવમાં 1 NDRFની ટીમ દ્વારા રાહત-બચાવ કાર્ય કરવામાં આવ્યું છે.
સોમનાથ, દ્વારકા, કચ્છનાં તમામ મંદિરો કરાયાં હતાં બંધ
‘બિપરજોય’ વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો. આ સ્થિતિની અગમચેતીરૂપે સોમનાથ, દ્વારકા, કાગવડ ખોડલધામ સહિતનાં તમામ મંદિર ટ્રસ્ટો દ્વારા દર્શનાર્થીઓ માટે દર્શન બંધ રાખવામાં આવ્યાં હતાં, જેને વાવાઝોડાની અસર પૂર્ણ થતાં દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવ્યાં છે.
શાળાઓમાં આપી દેવાઈ રજા
સ્થિતિની ગંભીરતાને જોતાં રાજ્ય સરકાર અને સ્થાનિક પ્રશાસન દ્વારા દરિયાકાંઠા અને જે જિલ્લામાં સૌથી મોટી અસર થવાની સંભાવના હતી તે તમામ જગ્યાએ શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી.
દ્વારકામાં સ્થિતિ વણસેલી સ્થિતિ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારો એવા ઓખામાં સૌથી વધુ તારાજી થઈ હોવાના દૃશ્યો સામે આવ્યા હતા. અહીં જેટી તેમજ દરિયા વચ્ચેની દીવાલ તેજ ફૂંકાતા પવન તથા દરિયાના પાણીથી પડી જતા જેટી અને રોડ ઉપર પાણી ફરી વળ્યાં હતાં. આ ઉપરાંત દ્વારકાના ડાલડા બંદર વિસ્તારમાં પણ પાણી ઘૂસી આવ્યું હતું. આ ઉપરાંત મીઠાપુરના કેટલાક વિસ્તારોમાં પણ દરિયાનું પાણી ઘૂસી આવ્યું હતું.
બનાસકાંઠા ધોવાયું, નડાબેટનું રણ બન્યું દરિયો
નડાબેટની ભારત-પાકિસ્તાનની બોર્ડર પર 90થી 100 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન સાથે ધોધમાર વરસાદના કારણે વિઝિબિલિટી ઘટી ગઈ છે. અહીં બીએસએફના જવાનો દોરડું પકડીને પેટ્રોલિંગ કરતા જોવા મળ્યા હતા, જ્યારે ધોધમાર વરસાદના કારણે નડાબેટનું સૂકું રણ દરિયામાં ફેરવાઈ ગયું છે. બનાસકાંઠાના અન્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસતાં સ્થિતિ કપરી બની હતી. અંબાજી ખાતે માર્કેટમાં ઘૂંટણસમાં પાણી ભરાયાં હતાં.
કચ્છ-સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત બાદ દક્ષિણ ગુજરાતમાં પણ તારાજી
પાટણ જિલ્લાના સાંતલપુર ગામે અવિરત વરસાદના કારણે લાખો ટન મીઠું પાણીમાં ગરકાવ થયું હતું. સાંતલપુર તાલુકામાં વહેલી સવારથી ધોધમાર વરસાદને લઈ અગરિયાયો ચિંતિત બન્યા હતા. લાખો ટન મીઠું રણમાં જ રહી જતાં કરોડો રૂપિયાના નુકસાનની ભીતિ અગરિયાઓને સતાવી રહી છે. અગરિયાઓની આઠ મહિનાની મહેનત પર પાણીમાં જતાં તેઓએ સરકાર પાસેથી સહાયની માગ કરી છે.
(યાતાયાત)

