ભાજપના યુવા નેતાએ દારૂ પીને વેપારી પર કર્યું ફાયરિંગ

Wednesday 14th June 2023 06:23 EDT
 
 

રાજકોટઃ ભાજપના યુવા કાર્યકર દ્વારા રાજકોટ શહેરમાં સરેઆમ કાયદાનો ભંગ કરતાં દારૂ પીને દુકાનદાર પર બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું. જોવાનું એ છે કે રાજકોટ ભાજપ યુવા પ્રમુખ કરણ સોરઠિયાએ આ ફાયરિંગ ભક્તિનગર પોલીસ સ્ટેશનની પાસે જ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ જ્યારે રાજકોટમાં જ હતા તે સમયે કર્યું હતું.
ભક્તિનગર પોલીસ સ્ટેશનની બાજુમાં જાહેર શૌચાલય પાસે રાજકોટના યુવા ભાજપ પ્રમુખ અને પૂર્વ કોર્પોરેટર રાજુ સોરઠિયાના પુત્ર કરણ સોરઠિયાએ બે રાઉન્ડ ફાયરિંગ કરતાં દોડધામ મચી ગઈ હતી, જેને લઈ ભક્તિનગર પોલીસે કરણ સામે આર્મ્સ એક્ટ સહિત અન્ય કલમો મુજબ ગુનો નોંધી અટકાયત કરી હતી.
આ સાથે યુવા નેતા દારૂ પીધેલી હાલતમાં હોવાનો રિપોર્ટ આવતાં તેની સામે પ્રોહિબિશન એક્ટ અંતર્ગત વધુ એક ગુનો નોંધવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.
સમજાવવા ગયેલા દુકાનદાર પર ફાયરિંગ
આ અંગેની ફરિયાદ નોંધાવતાં વનરાજ ચાવડાએ જણાવ્યું હતું કે, સોરઠિયા વાડી સર્કલ પર અમારી ડિલક્સ પાનની દુકાન પર હું હાજર હતો, ત્યારે દુકાનની સામે આવેલું શૌચાલય બંધ હોવાથી તેનું સંચાલન કરતી પરપ્રાંતીય વ્યક્તિ સાથે કરણ સોરઠિયા ઝઘડો કરી રહ્યો હતો.
આ દરમિયાન મેં કરણ સોરઠિયાને ઝઘડો ન કરવા અને રાબેતા મુજબના સમયે બંધ થઈ જાય છે તેવું કહેતાં આ બાબતનો ખાર રાખી મારી દુકાન પાસે આવી 2 રાઉન્ડ ફાયરિંગ કરી જાનથી મારી નાખવા પ્રયાસ કર્યો હતો.


comments powered by Disqus