બનાસકાંઠાઃ વિશ્વભરમાં વસતા માઇભક્તો હવે ઘેરબેઠાં મા અંબાનાં દર્શન કરી શકશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શનિવારે પાલનપુરમાં તેના માટેની મોબાઇલ એપ લોન્ચ કરી હતી, સાથે પાલનપુર નગરના પ્રવેશદ્વાર અને અમદાવાદ, આબુ રોડ, ડીસાને જોડતા નેશનલ હાઇવે પરના એરોમા સર્કલ પર થતી ટ્રાફિકજામની સમસ્યા દૂર કરવાનું નક્કર આયોજન કર્યું છે.
દુનિયાના કોઈપણ ખૂણે વસતા માઇભક્તો પોતાના મોબાઇલ મારફતે ઘેરબેઠાં એટ વન ક્લિક મંદિર દર્શન કરી શકશે તથા પૂજન અર્ચન, વિધિવિધાનની વિગતો મેળવી શકશે તે માટે મુખ્યમંત્રીના હસ્તે અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની વ્હોટ્સઅપ ચેટ બોટ- અંબાજી ઇ-મંદિરનું લોકાર્પણ, ગબ્બર જ્યોતનાં લાઇવ દર્શન યુ-ટ્યૂબ ચેનલ પરથી થઈ શકે તેનો શુભારંભ કર્યો હતો. અંબાજીને આંતરરાષ્ટ્રીય સ્તરનું ISO સર્ટિફિકેશન-2020 એનાયત કરાયું હતું.

