લવ જેહાદથી યુવતીઓને બચાવવા પાટીદાર સમાજનાં 400 ગામોની ચિંતનશિબિર

Wednesday 14th June 2023 06:06 EDT
 
 

વડોદરાઃ વિધર્મી યુવકો દ્વારા 13થી 20 વર્ષની યુવતીઓને લવ જેહાદથી બચાવવા પાટીદાર સમાજ સફાળો જાગ્યો છે. મધ્ય ગુજરાત સમસ્ત પાટીદાર સમાજ દ્વારા અન્ય ધર્મના યુવકોથી સમાજની દીકરીઓને બચાવવા 4 મહિનામાં વડોદરા જિલ્લાનાં 350 અને ચરોતરનાં 60 ગામોમાં આત્મચિંતન શિબિરો યોજાઈ રહી છે, જેમાં પાટીદાર યુવતીઓ અને કિશોરીઓને જાગૃત કરવામાં આવી.
આત્મચિંતન શિબિરો યોજાઈ
મધ્ય ગુજરાત સમસ્ત પાટીદાર સમાજના અગ્રણી હિતેશ પટેલે જણાવ્યું હતું કે, અન્ય ધર્મના યુવકે સમાજની દીકરીનું બ્રેઇન વોશ કર્યું હોય તેવા એક કિસ્સાનો 15 દિવસ પહેલાં જ અમે ઉકેલ લાવ્યા છીએ, જેમાં માતા-પિતાનું કાઉન્સેલિંગ કરીને દીકરીને બચાવી લેવાઈ છે. હિતેશ પટેલે જણાવ્યું હતું કે, 4 મહિનામાં અમારી 40 ટીમ દ્વારા શિબિરો કરાઈ છે.
મોબાઈલ રિચાર્જના નામે યુવતીઓના નંબર મેળવાય છે
પાટીદાર સમાજે કરેલી તપાસમાં જાણવા મળ્યું હતું કે દુકાનમાં મોબાઇલ ફોન રિચાર્જ કરાવવા આવેલી સમાજની દીકરીઓને યુવાનો ખોટ ખાઈને સસ્તામાં રિચાર્જ કરી આપતા હોય છે. આ રીતે મિત્રતા કેળવીને નંબર મેળવે છે પછી મોબાઈલમાં લિન્ક મોકલવામાં આવતી હોય છે. સમાજના અગ્રણીઓ દ્વારા સમાજની દીકરીઓને ચેતવી છે કે ઓછી કિંમતે મળતી વસ્તુઓ લેવા આકર્ષણ કરી પોતાનો મોબાઇલ નંબર આપતા પહેલાં ચેતી જવું.
વિધર્મી સાથે લગ્ન કરનારી દીકરીઓને સ્વીકારવી પડશે
હિતેષ પટેલે જણાવ્યું કે, અમે પાટીદાર સમાજનાં લગભગ તમામ ગામમાં થતી ચિંતનશિબિરોમાં લોકોને સમજાવીએ છીએ કે અન્ય ધર્મમાં લગ્ન કરીને નિરાશ થઈને પાછી આવતી દીકરીઓને સ્વીકારવી પડશે. માવતર પણ નહીં સ્વીકારે તો તે ગેરમાર્ગે દોરાશે.
કેસ સ્ટડી: મોબાઈલમાં લિન્ક મળતાં ખેડાની યુવતી ભટકી
ખેડા જિલ્લાના એક ગામમાં રહેતી 20 વર્ષની યુવતીને અન્ય ધર્મનો યુવક દોઢ વર્ષથી મોબાઇલ પર લિન્ક મોકલતો હતો. આ લિન્કમાં જણાવાતું હતું કે તેમના સમાજ સિવાયના તમામ ધર્મો અને ભગવાન ખોટા છે. તેમના સમાજ સિવાયના લોકોનું અપમૃત્યુ થશે તેમ કહી આ યુવાન યુવતીના મોબાઇલમાં લિન્ક મોકલીને તેનું બ્રેઇન વોશ કરતો રહેતો હતો.


comments powered by Disqus