ગાંધીનગરઃ ગુજરાત કોંગ્રેસમાં આંતરિક વિખવાદ અને 2024ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મજબૂત કરવાના ઇરાદાથી દિલ્હી કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા શક્તિસિંહ ગોહિલને ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે જગદીશ ઠાકોર સામે સ્થાનિક સ્તરે ભારે રોષનું વાતાવરણ ઊભું થયું હતું. તદ્ઉપરાંત કોંગ્રેસની સત્યશોધક સમિતિ દ્વારા ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હાઇકમાન્ડને ઉપરવટ જઈને ચોક્કસ લોકો દ્વારા 35 ટિકિટ વેચી દેવામાં આવી હતી. સત્યશોધક સમિતિ દ્વારા એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ગુજરાતમાં કોંગ્રેસને હરાવવાનું આ એક ષડયંત્ર હતું.
લોકસભા ચૂંટણીને જોતાં કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા આ વખતે જ્ઞાતિ-જાતિનું સમીકરણ પણ બાજુએ મૂકી દેવામાં આવ્યું છે. આ પહેલા પાટીદાર નેતાની પસંદગી થઈ રહી હતી, પરંતુ ક્ષત્રિય નેતાની પસંદગીએ આશ્ચર્ય સર્જ્યું છે. શક્તિસિંહને ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષપદ સોંપવામાં આવતાં તેમને દિલ્હી અને હરિયાણાના પ્રભારી તરીકેની જવાબદારીમાં મુક્ત કરવામાં આવ્યા છે અને તેમની જગ્યાએ દીપક બાબરિયાને આ બંને રાજ્યના પ્રભારી બનાવાયા છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પાંચ વરિષ્ઠ નેતાઓને દિલ્હી બોલવાયા હતા, જેમણે સૂચવેલાં નામને ફગાવી રાહુલના નિકટના ગણાતા શક્તિસિંહને ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. હજુપણ કોંગ્રેસ હાઇકમાન્ડ ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં પણ મહત્ત્વના અને મોટા નિર્ણય લઈ શકે છે.
શક્તિસિંહ હાલ રાજ્યસભાના સાંસદ તેમજ AICCના રાષ્ટ્રીય પ્રવક્તા છે. 1991થી 1995 દરમિયાન તેમણે સરકારના વિવિધ વિભાગ સંભાળ્યા હતા, તેમજ નાણાં, આરોગ્ય, શિક્ષણ, વિભાગના મંત્રી રહી ચૂક્યા છે. તેઓ 2007થી 2012 સુધી વિધાનસભામાં વિપક્ષ નેતા પણ હતા.

