ભરૂચઃ હિન્દુઓના મંદિરમાં હિન્દુઓને જ દર્શન ન કરવા દેવા એ ક્યાંનો ન્યાય છે ? અમારે હવે દર્શન કરવા માટે મસ્જિદોમાં જવું પડશે તેવો વેધક સવાલ હરિધામ સોખડાના પ્રબોધસ્વામી જૂથના હરિભક્તોએ કર્યો છે. ભરૂચ શહેરના કોલેજ રોડ ૫૨ આવેલા આત્મીય ધામ ખાતે બાઉન્સર મૂકી પરવાનગી વિના પ્રવેશ નિષેધ કરી દેવામાં આવતાં પ્રબોધસ્વામી જૂથના સત્સંગીઓએ કલેક્ટર કચેરીએ હરિધૂન કરી રજૂઆત કરી હતી. નેત્રંગની યોગી ડિવાઇન સોસાયટી સંચાલિત ભરૂચની સર્વનમન વિદ્યાલય બાદ હવે આત્મીય સંસ્કાર ધામનો વિવાદ ઊભો થયો છે. ગુરુવારે સવારના સમયે આત્મીય ધામ ખાતે બાઉન્સર મૂકી દેવામાં આવ્યા હતા અને મંદિરના દ્વાર બંધ કરી દેવાયા હતા.
હરિભક્તોમાં કઈ બાબતે વિખવાદ થયો
હરિધામ સોખડાના હરિપ્રસાદ સ્વામી બ્રહ્મલીન થયા બાદ હરિભક્તોમાં બે જૂથ પડી ગયાં છે. ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં સર્વનમન શાળામાં કામ કરતી પ્રબોધસ્વામી જૂથની સાધ્વીઓના બદલે સોખડાથી આવેલી પ્રેમસ્વામી જૂથની સાધ્વીઓ મૂકવાનો નિર્ણય લેવાતાં વાલીઓએ વિરોધ નોંધાવ્યો હતો. સર્વનમન શાળા બાદ હવે આત્મીય સંસ્કારધામમાં પ્રબોધસ્વામી જૂથના સત્સંગીઓને રોકવામાં આવ્યા છે.

