ભુજઃ ભુજના સેડાના પાસે આવેલા હાઇલેન્ડ રિસોર્ટના બહુચર્ચિત બળાત્કાર અને યુવકના આપઘાત કેસમાં અપેક્ષા પ્રમાણે નખત્રાણા પોલીસમાં હનીટ્રેપનો ગુનો દાખલ કરાયો છે. આ કેસમાં ઘણી ચોંકાવનારી વિગતો પણ સામે આવી છે. દુષ્કર્મની ફરિયાદ નોંધાવનારી યુવતીની પૂછપરછમાં તેણે કબૂલાત કરી છે કે, તેની સાથે દુષ્કર્મ થયું જ નથી અને યુવક દિલીપ ગાગલે કોઈ શરીરસબંધ બાંધ્યો નથી, દુષ્કર્મની ફરિયાદ પૈસા પડાવવા માટેનું તરકટ હતું.
માધાપરના 32 વર્ષીય દિલીપ ગાગલ નામના યુવાન સામે દુષ્કર્મનો ખોટો આક્ષેપ થતાં તેણે આત્મહત્યા કરી લીધી હતી. આ કેસમાં શરૂઆતથી જ હનીટ્રેપની આશંકા હતી. જયંતી ભાનુશાળી હત્યાકેસમાં પાલારા જેલમાં સજા કાપતી મનીષા ગોસ્વામી જ આ કેસમાં મુખ્ય સૂત્રધાર છે. જેલમાં બેઠાંબેઠાં મનીષાએ કાવતરું હતું.
દિલીપને હનીટ્રેપમાં ફસાવવાનો હોવાથી યુવતીએ રિસોર્ટમાં કેમેરા સામે ચક્કર ખાઈને પડી જવાનાં નાટક કર્યાં, જેથી તે સીસીટીવીમાં આવી જાય. આ સમયે ષડયંત્ર મુજબ હોટેલની બહાર ગેંગનો અઝીઝ સેવાભાવીની ભૂમિકામાં આવ્યો હતો અને દિલીપને ફોન કરી યુવતીએ કહ્યા મુજબ તારા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવું છું તેમ કહી બ્લેકમેઈલ કરી ફરિયાદ ન લખાવવા પેટે રૂ.4 કરોડની ખંડણી માગી હતી. જે બાદ દિલીપે આત્મહત્યા કરી લીધી હતી. પશ્ચિમ કચ્છ પોલીસે આ અંગે દિવ્યા ચૌહાણ, અઝીઝ સમા અને જેલમાંથી છૂટેલી એક મહિલાનીી ધરપકડ કરી છે. જ્યારે મનીષાનો કબજો હવે લેવામાં આવશે. જ્યારે હાલમાં છ શખ્સ હજુ ફરાર છે.

