ગાંધીનગરઃ જંત્રીના નવા દર અંગે બિલ્ડર્સ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ચર્ચા કરવામાં આવી. જેના ભાગરૂપે 11 ફેબ્રુઆરીએ મુખ્યમંત્રીએ નવો જંત્રીદર તાજેતરમાં લાગુ ન કરી 15 એપ્રિલથી અમલી કરવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ રાજ્યના રિયલ એસ્ટેટ ક્ષેત્ર અને જન-સામાન્યના વ્યાપક હિતમાં આ નિર્ણય કર્યો છે. તદઅનુસાર રાજ્યમાં તા. 4 ફેબ્રુઆરીએ જાહેર કરાયેલા જંત્રીદરના વધારાનો અમલ હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે.
નવી જંત્રીથી બિલ્ડર્સ નારાજ હતા
ગુજરાતમાં નવા જંત્રીના દર રાતોરાત અમલી બનાવવા સરકારે 4 ફેબ્રુઆરીની મોડી સાંજે પરિપત્ર બહાર પાડ્યો હતો. પરિપત્રમાં રહેલી જોગવાઈ મુજબ રાજ્યમાં જંત્રીનો દર બમણો કરી તત્કાલ અસરથી અમલી બનાવવા નિર્ણય કર્યો હતો. સરકારના એકાએક નિર્ણયને પગલે બિલ્ડર લોબીમાં અસંતોષ જોવા મળ્યો હતો. વિવિધ બિલ્ડર એસોસિયેશન દ્વારા મુખ્યમંત્રી સાથે બેઠક કરવામાં આવી હતી.
એએમસી 3 વર્ષ નવી જંત્રી લાગુ નહી કરે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષ 2023-’24ના રૂ. 9482 કરોડના બજેટને શુક્રવારે મ્યુનિ. ભાજપના સત્તાધીશોએ સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કર્યું હતું. રાજ્ય સરકાર દ્વારા જે નવા જંત્રીદર લાગુ કરવામાં આવ્યા છે એને આગામી ત્રણ વર્ષ માટે એએમસી દ્વારા લાગુ નહીં કરવામાં આવે એવો નિર્ણય લેવામાં આવ્યો છે.
રિયલ એસ્ટેટ સેક્ટર માટે રાહતરૂપ ઉપરોક્ત નિર્ણયને ક્રેડાઈ સહિત તમામ સ્ટોક હોલ્ડર્સે આવકાર્યો છે. ગત સપ્તાહે 12 વર્ષ જૂની જંત્રીના રેટ્સ બમણા થતાં બિલ્ડર્સ, ડેવલપર્સ સહિતના તમામ સ્ટોક હોલ્ડર્સે મુખ્યમંત્રી, સુપરિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ, કલેક્ટર સમક્ષ વિરોધ નોંધાવ્યો હતા. તેનો અમલ તત્કાલ સ્થગિત કરવા, વર્ષ 2011ની જંત્રીમાં વિસંગતતા દૂર કરવા, નવા દર અમલમાં મૂકતા પહેલાં જમીન અને જમીન સંલગ્ન મિલકત સાથે જોડાયેલા તમામ વર્ગોના વાંધાસૂચનો સ્વીકારવા વિનંતી કરી હતી. જેના આધારે મુખ્યમંત્રીએ જંત્રીમાં 100 ટકાનો વધારો 5 ફેબ્રુઆરી - 2023ના બદલે હવે 15 એપ્રિલથી કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય પછી પણ જાન્યુઆરીથી શરૂ કરવામાં આવેલા વૈજ્ઞાનિક ઢબે જંત્રીના સર્વેક્ષણનું કામ ચાલુ જ રહેશે, એટલે કે 15મી એપ્રિલથી નવા દર અમલમાં આવ્યા પછી પણ આ સરવે રિપોર્ટને આધારે જંત્રીમાં વધારો થશે.

