24 ફેબ્રુઆરીએ નાણામંત્રી કનુ દેસાઈ રજૂ કરશે ગુજરાતનું બજેટ

Wednesday 15th February 2023 05:03 EST
 
 

ગાંધીનગરઃ ગુજરાત સરકારે હવે તેના નાણાકીય બજેટની તૈયારી આદરી છે. કેન્દ્ર સરકારનું બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ થઈ ચૂક્યું છે, જે પછી હવે ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારનું બજેટ આવી રહ્યું છે. નાણામંત્રી કનુ દેસાઈ વિધાનસભામાં 24 ફેબ્રુઆરીએ નવી બનેલી સરકારનું પ્રથમ બજેટ રજૂ કરશે. જંત્રીમાં વધારાથી ગુજરાતના બજેટનું કદ વધે તેવી શક્યતા છે.
બજેટસત્રનો પ્રારંભ 23 ફેબ્રુઆરીથી
બજેટસત્રનો પ્રારંભ 23 ફેબ્રુઆરીએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી થશે અને 24 ફેબ્રુઆરીએ રાજ્યનું બજેટ રજૂ કરવામાં આવશે. વિધાનસભાની ચૂંટણીમાં મળેલી ઐતિહાસિક જીત બાદ નવી સરકારનું આ પહેલું બજેટ હશે, જેમાં આકરા કરવેરા ઝીંકવામાં આવે તેવી પણ શક્યતા છે.
બજેટનું કદ રૂ. 2.90 લાખ કરોડને પાર થવાની સંભાવના
2023-’24ના બજેટનું કદ રૂ. 2.90 લાખ કરોડને પાર થવાની સંભાવના જોવાઈ રહી છે. જંત્રીના દર વધતાં મહેસૂલની આવકમાં વધારો થશે. 2022-’23ના બજેટનું કદ રૂ. 2.43 લાખ કરોડ હતું. ગતવર્ષે નાણામંત્રી કનુ દેસાઈએ 2022-’23ના વર્ષનું રૂ. 2.43 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું હતું, જે ગુજરાતના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું અને કોઈ જ નવા કરવેરા વગરનું બજેટ હતું. જેમાં ખેડૂતો, આદિવાસી, માછીમારો માટે મોટી જાહેરાતો કરવામાં આવી હતી.


comments powered by Disqus