અમૂલમાં પહેલી વખત ભાજપ સત્તા પર

Wednesday 15th February 2023 05:04 EST
 
 

આણંદઃ ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ અમૂલ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીમાં ભાજપનો ઇતિહાસમાં પ્રથમ વખત વિજય થયો છે. જો કે ચૂંટણી પહેલાંના દિવસોમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમાર સહિત અન્ય ચાર કોંગી આગેવાનો ભાજપમાં જોડાતાં અમૂલ વ્યવસ્થાપક મંડળમાં ભાજપની સંખ્યાત્મક બહુમતી થતાં વિજય સરળ બની રહ્યો. આ વિજય બાદ વિપુલ પટેલ નવા ચેરમેન અને કાન્તી સોઢા પરમાર વાઇસ ચેરમેન બન્યા છે.
25 વર્ષથી દૂધિયા રાજકારણમાં દબદબો ધરાવતા રામસિંહ પરમારનું એકહથ્થું શાસન આજે ભાજપે પૂરું કરી દીધું છે. રામસિંહે દીકરા યોગેન્દ્રને ધારાસભ્ય બનાવી લીધો પણ સહકાર ક્ષેત્રનું રાજકારણ પૂરું કરી દીધું છે. રામસિંહ પરમાર ભાજપમાં હોવા છતાં સ્થાનિક સંગઠનને ક્યાં વાંકું પડ્યું એ હાલમાં સૌથી ચર્ચા તો સવાલ છે. અમૂલની ચૂંટણી પહેલાં ભાજપે મોટો ખેલ પાડીને 3 સહકારી ડિરેક્ટરને ભાજપમાં જોડ્યા છે. 3 દિવસ પહેલાં કમલમ્ ખાતે અમૂલ ડેરીના 3 ડિરેક્ટર પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના વરદહસ્તે ખેસ અને ટોપી ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. એક સમયે ગુજરાતના સહકારી ક્ષેત્રમાં કોંગ્રેસનો દબદબો હતો, જેને અમિત શાહે એક્ટિવ થઈને લગભગ પૂરો જ કરી દીધો છે.
કાંતિ સોઢા પરમારે ભાજપ સામે હારના 50 દિવસમાં ભાજપનો ખેસ પહેરી લેતાં સૌને આશ્વર્ય થયું હતું.


comments powered by Disqus