મોડાસા : અમેરિકામાં વધુ એક ગુજરાતી દંપતી પર હુમલો કરવામાં આવ્યો છે. જેમાં અરવલ્લી જિલ્લાના મેઘરજ ગામના વતની અને છેલ્લાં 15 વર્ષથી ધંધાર્થે અમેરિકા સ્થાયી થયેલા દંપતી રજનીકાંત શેઠ અને તેમનાં પત્નીની શિકાગો નજીક ફાયરિંગ કરી હત્યા કરાતાં વિદેશમાં રહેતા ગુજરાતી પરિવારોમાં ફફડાટ વ્યાપ્યો હતો. આ હત્યાને લઈ મેઘરજ તેમજ વૈષ્ણવ સંપ્રદાયમાં ઘેરા શોકની લાગણી પ્રસરી હતી.
મેઘરજના વતની રજનીકાંત શેઠ અને તેમનાં પત્ની નિરીક્ષાબહેન છેલ્લાં 15 વર્ષથી અમેરિકા સ્થાયી થયાં હતાં. દીકરા આસિતભાઈ અને જમાઈ-દીકરી સહિતના પરિવારજનો સાથે વસવાટ કરતા અને શિકાગોમાં મોટેલના વ્યવસાય સાથે સંકળાયેલા રજનીકાંતભાઈ અને તેમનાં પત્ની નિરીક્ષાબહેનની ગત 7 ફેબ્રુઆરીએ તેમના શિકાગો નજીકના રહેઠાણસ્થળે અશ્વેત હુમલાખોરોએ હુમલો કરી 10થી વધુ ગોળી ઝીંકી હત્યા કરી હતી. આ હત્યાના સમાચારની જાણ થતાં જ દીકરા-જમાઈ સહિતના સગાં-સંબંધી અને પરિચિતો ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં. શિકાગો પોલીસે હત્યા અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
આવતા વર્ષે દંપતી કાયમ માટે વતન પરત ફરવાનું હતું
મેઘરજના ભરતભાઈ મહેતાના જણાવ્યા મુજબ સ્વર્ગસ્થ રજનીકાંતભાઈ અને તેમનાં પત્ની તાજેતરમાં અમદાવાદ આવ્યાં હતાં અને બે મહિનાનો વસવાટ કરી પરત અમેરિકા ગયાં હતાં. તેઓએ શિકાગો ખાતે નવી જોબ શરૂ કરી હતી અને નાના ટાઉનમાં વસવાટ કરી રહ્યા હતા. ત્યારે અશ્વેત હુમલાખોરોએ રેકી કરી તેઓ પર ગોળીબાર કર્યો હતો. જો કે તેઓ આવતા વર્ષે કાયમ માટે વતન પરત ફરવાનાં હતાં.

