આં.રા. વિદ્યાર્થીઓ મુદ્દે ઇમિગ્રેશન પોલિસીમાં સુધારા પર લોર્ડ બિલિમોરિયાએ ઘેરી ચિંતા વ્યક્ત કરી

સરકારે પોસ્ટ સ્ટડી વર્ક વિઝા પર નિયંત્રણો લાદવા જોઇએ નહીં : લોર્ડ બિલિમોરિયા

Wednesday 15th February 2023 07:06 EST
 
 

લંડન: બ્રિટિશ સરકાર દ્વારા ઇમિગ્રેશન પોલિસીમાં થઇ રહેલા બદલાવોના તાજેતરના અહેવાલોએ ભારતમાં ચિંતા સર્જી દીધી છે. હાઉસ ઓફ લોર્ડ્સના સાંસદ લોર્ડ કરણ બિલિમોરિયાએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા પર કાપ મૂકવાના બ્રિટિશ સરકારના પ્રયાસો પર ચિંતા વ્યક્ત કરી છે. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના હિતો માટે કામ કરતી યુકે કાઉન્સિલ ફોર ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ અફેર્સના પ્રમુખ એવા લોર્ડ બિલિમોરિયાએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પરની નીતિમાં બ્રિટિશ સરકાર દ્વારા થઇ રહેલા બદલાવો ચિંતાજનક છે. ગેરકાયદેસર ઇમિગ્રેશનના કારણે યુકેમાં આવતા માઈગ્રન્ટ્સની સંખ્યામાં મોટો વધારો થઇ રહ્યો હોવા અંગે ભારે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે અને તેને અટકાવવાની જરૂર છે. પરંતુ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની ગણતરી કુલ માઇગ્રેશનમાં કરવી જોઇએ નહીં.
બર્મિંગહામ યુનિવર્સિટીના ચાન્સેલર એવા લોર્ડ બિલિમોરિયાએ જણાવ્યું હતું કે, ભારતીય સહિતના મોટાભાગના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અભ્યાસ પૂરો થયા બાદ તેમના વતનના દેશમાં પરત ચાલ્યા જાય છે. કેટલાક વિદ્યાર્થી સ્કીલ્ડ જોબ માટે બ્રિટનમાં રહે છે પરંતુ તેમની સંખ્યા ઘણી ઓછી છે. બ્રિટનમાં કાયદેસરનું ઇમિગ્રેશન મેળવનારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા નહીંવત છે.
લોર્ડ બિલિમોરિયાએ અગ્રણી યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવનાર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની જ પસંદગી કરવાની નીતિ પર પણ ઘેરી ચિંતા વ્યક્ત કરી હતી. યુકેમાં બહુ ઓછી યુનિવર્સિટી એલિટ ગ્રુપમાં આવે છે. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ દ્વારા દેશના અર્થતંત્રને પણ મોટું યોગદાન મળે છે.


comments powered by Disqus