ગાંધીનગરમાં મોરારિબાપુની કથા માટે શિક્ષકોનો પગાર કપાયો

Wednesday 15th February 2023 05:05 EST
 
 

ગાંધીનગરઃ ગાંધીનગરમાં સંયુક્ત શિક્ષણ નિયામકના પરિપત્રથી શિક્ષકોમાં રોષ ફેલાયો છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ગાંધીનગર ખાતે યોજાનારા મોરારિબાપુની કથાના કાર્યક્રમ માટે શિક્ષકો પાસેથી સ્વૈચ્છિક ફાળાપેટે પગાર કપાતના નિર્ણયથી શિક્ષકો નારાજ થયા છે. અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના અધિવેશન કાર્યક્રમના આયોજન અને ખર્ચ માટે શિક્ષકદીઠ વિદ્યા સહાયકોના પગારમાંથી રૂ. 500 તથા પ્રાથમિક શિક્ષકના પગારમાંથી રૂ. 1000 સ્વૈચ્છિક ફાળાની મંજૂરી અપાઈ છે.
સંયુક્ત શિક્ષણ નિયામક એસ.પી. ચૌધરીએ પ્રાથમિક શિક્ષણ નિયામકને સ્વૈચ્છિક ફાળાના કપાત માટે મંજૂરી આપતાં વિવાદ સર્જાયો છે. આ અંગે વિરોધ કરતાં શિક્ષકો દ્વારા સ્વૈચ્છિક પગાર કપાતનો પરિપત્ર રદ્દ કરવા માગ કરી છે. શિક્ષણ વિભાગની મંજૂરીના કારણે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને ગુજરાત શૈક્ષિક મહાસંઘ વચ્ચે વિવાદ સર્જાયો છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના કાર્યક્રમના આયોજન અને ખર્ચ માટે શિક્ષકોના પગાર કપાતની શિક્ષણ વિભાગ તરફથી મંજૂરી આપવામાં આવતાં ગુજરાત શૈક્ષિક સંઘ સાથે જોડાયેલા શિક્ષકો મેદાને પડ્યા છે. શિક્ષણ વિભાગ દ્વારા અપાયેલી પગાર કપાતની મંજૂરીની સીધી અસર રાજ્યના બે લાખ શિક્ષકોને થવાનો અંદાજ છે.

અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા 29 રાષ્ટ્રીય અધિવેશન તથા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનું અધિવેશન 12 અને 13 મેના રોજ યોજાનાર છે. આ સિવાય પ્રાથમિક શિક્ષકોના કલ્યાણ અર્થે 13 થી 21 મે દરમિયાન મોરારી બાપુની રામકથાનું આયોજન કરાયું છે. આ તમામ આયોજન અને ખર્ચ માટે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ તરફથી શિક્ષકોના પગાર કપાત કરવા માટે મંજૂરી માગવામાં આવી હતી. શિક્ષણ વિભાગે સ્વૈચ્છિક પગાર કપાતની સત્તાવાર મંજૂરીના આદેશ કરી દેતા ગુજરાત શૈક્ષિક સંઘમાં રોષ વ્યાપી ગયો છે.


comments powered by Disqus