ગુજરાતમાં દોઢ મહિનામાં ભૂકંપના 13 આંચકા

Wednesday 15th February 2023 05:03 EST
 
 

અમદાવાદઃ તુર્કી અને સીરિયામાં 7.8ના ભૂકંપ બાદ આવી રહેલા આંચકા અને ભારે હિમવર્ષામાં હજારો લોકોનો ભોગ લેવાયો છે, ત્યારે ભૂસ્તરીય નિષ્ણાતોએ ગુજરાતમાં પણ ભૂકંપની આગાહી વ્યક્ત કરતાં ચિંતા ફેલાઈ છે. ગુજરાતમાં છેલ્લાં પાંચ વર્ષમાં ધરતીકંપના 40થી વધુ આંચકા અનુભવાઈ ચૂક્યા છે. આ પૈકી ભૂકંપના 13 આંચકા માત્ર વર્ષ 2023માં જ નોંધાયા છે.
ગુજરાતમાં શનિવારે જ ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા. જેમાં પ્રથમ આંચકો રાત્રે 12:52વાગ્યે સુરતથી પશ્ચિમ-દક્ષિણ દિશામાં 27 કિલોમીટરના અંતરે 3.8ની તીવ્રતાનો અનુભવાયો હતો. આ પછી બીજો આંચકો રાત્રે 1:51 વાગ્યે કચ્છના દુધઈથી ઉત્તર-પશ્ચિમ દિશામાં 25 કિ.મી.ના અંતરે 3.7ની તીવ્રતાનો નોંધાયો હતો. રાજ્યમાં આ વર્ષે દોઢ મહિનામાં 13 આંચકા આવ્યા છે, તેમાંથી 8 માત્ર કચ્છ જિલ્લામાં નોંધાયેલા છે. જેના કારણે ગુજરાતમાં ફરી ભયાવહ ભૂકંપ આવવાની ચિંતા ઘેરી વળી છે.
કચ્છ ઝોન-5 હેઠળ આવે છે
કચ્છ ભૂકંપ સંભવિત વિસ્તારમાં ઝોન-5 હેઠળ આવે છે. ગુજરાતમાં 5 થી 8ની તીવ્રતાનો ભૂકંપ આવી શકે તેવાં સ્થળો આવેલાં છે. જેનો અર્થ થાય છે કે ત્યાં 8ની તીવ્રતાનો ભૂકંપ સંભવતઃ આવી શકે છે. પરંતુ 150થી 200 કિલોમીટરની વિશાળ ફોલ્ટલાઇન એક્ટિવ હોય ત્યારે જ 8ની તીવ્રતાનો ભૂકંપ આવતો હોય છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જામનગર સિવાયનો મોટાભાગનો વિસ્તાર ઝોન-3માં આવે છે, જ્યાં મહત્તમ પાંચની તીવ્રતાનો ભૂકંપ આવી શકે છે. કેમ કે ત્યાં કોઈ મોટી ફોલ્ટલાઇન નથી. હાલ કચ્છમાં જે ભૂકંપના આંચકા આવે છે તેમાંથી 90 ટકા લોકો અનુભવતા પણ નથી. સૌરાષ્ટ્રમાં સિઝનલ ટાઇપ એક્ટિવિટી છે. મતલબ કે ભારે વરસાદ પડે તો હાઇડ્રોલોજિકલ લોડિંગથી હળવા આંચકા અનુભવાતા હોય છે. દાહોદ તરફના વિસ્તારોમાં ભૂકંપની સૌથી ઓછી એક્ટિવિટી જોવા મળે છે.


comments powered by Disqus