ગેહલોતનું બજેટ બ્રીફકેસમાંથી બિલાડું

Wednesday 15th February 2023 08:23 EST
 
 

જયપુરઃ રાજસ્થાનનું બજેટ મુખ્યમંત્રી અશોક ગેહલોતના કારણે હાસ્યાસ્પદ બની રહ્યું. રાજસ્થાન વિધાનસભામાં બજેટ વાંચી રહેલા મુખ્યમંત્રી અશોક ગેહલોતને એ પણ ધ્યાન ન રહ્યું કે તેઓ જૂના બજેટને વાંચી રહ્યા છે. જો કે વિપક્ષે તરત જ આ ભૂલને પકડી લીધી અને ગૃહમાં હંગામો કર્યો.

વિધાનસભામાં મુખ્યમંત્રીની જ આટલી મોટી બેદરકારીના કારણે વિપક્ષે કરેલા ભારે હંગામાના પગલે ગૃહની કાર્યવાહી અડધા કલાક માટે સ્થગિત કરી દેવામાં આવી હતી. આ સમગ્ર હાસ્યાસ્પદ ઘટનામાં અધિકારીઓની ભૂલ સામે આવતાં જ સીએમ ગેહલોત પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
બજેટની શરૂઆત થતાં સતત 6 મિનિટ સુધી મુખ્યમંત્રી ગેહલોત જૂનું બજેટ વાંચતા રહ્યા. આ દરમિયાન મંત્રી મહેશ જોશીએ તેમના કાનમાં જૂનું બજેટ વાંચતા હોવાનું જણાવતાં ગેહલોત છોભીલા પડી ગયા હતા. આ મોટી ભૂલના કારણે વિપક્ષે જોરદાર હંગામો કરતાં ગેહલોતે માફી માગી હતી.


comments powered by Disqus