દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે શનિવારે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા તેમજ લોકસભા મતક્ષેત્રોના નવા સીમાંકનને પડકારતી તમામ અરજી ફગાવી હતી. આને કારણે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજવાનો માર્ગ ખુલ્લો થયો છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એસ.કે. કૌલ તેમજ જસ્ટિસ એ.એસ. ઓકાની બેન્ચ દ્વારા આ કેસની સુનાવણી હાથ ધરાઈ હતી. બેન્ચે કહ્યું હતું કે, આ કેસને કલમ 370ને લગતા કેસ સાથે કશું લાગતું વળગતું નથી. તેની અરજી કોર્ટની બંધારણીય બેન્ચમાં વિચારાધીન છે. બેન્ચે કહ્યું કે, કેન્દ્ર સરકારને ડિલિમિટેશન કમિશન બનાવવાનો અધિકાર છે. આ કેસમાં કેન્દ્ર સરકારે તેના અધિકારોનો યોગ્ય ઉપયોગ કર્યો છે. અરજદાર શ્રીનગરના હાજી અબ્દુલ ગની ખાન તેમજ મોહમ્મદ અયુબ મટ્ટોએ નવા સીમાંકનની બંધારણીય યોગ્યતાને પણ પડકારી હતી. તેમણે દાવો કર્યો હતો કે, 2026 પહેલાં આ પ્રકારે કોઈ કામગીરી કરવા સામે રોક લગાવવામાં આવી છે. સરકાર પાસે સીમાંકન આયોગ બનાવવાની સત્તા ન હતી.

