રાજકોટઃ ટચુકડો દેશ જાપાન ધન-વૈભવ, સમૃદ્ધિ અને વૈજ્ઞાનિક જીવનશૈલીની રીતે ભારત કરતાં ઘણો આગળ અને આધુનિક છે, પરંતુ ત્યાંનું વૈભવી જીવન છોડીને જાપાનનાં એક દંપતીએ ભારતીય વૈદિક પરંપરાને સંપૂર્ણ રીતે અપનાવી લીધી છે. દરવર્ષે મહાશિવરાત્રીની ઉજવણી કરવા તેઓ જાપાનથી રાજકોટ આવે છે.
તોશ અને સાઓડી નામના જાપાનીઝ પતિ-પત્નીએ ભારતીય ધર્મ-સંસ્કૃતિ અને વૈદિક પરંપરાને સંપૂર્ણપણે અપનાવી લીધી છે. તેઓ વર્ષ 2016થી દરવર્ષે મહાશિવરાત્રીના પર્વે જાપાનથી રાજકોટ આવે છે અને મુંજકાસ્થિત આર્ષ વિદ્યામંદિર ખાતે તેઓ મહાશિવરાત્રી ઊજવે છે.
આ યુગલે જણાવ્યું હતું કે ‘હિન્દુઇઝમ માત્ર ધર્મ નથી, તે જીવન જીવવાની પદ્ધતિ છે. અમે વૈદિક સંસ્કૃતિને સંપૂર્ણપણે અપનાવી લીધી છે. મહાશિવરાત્રીએ અમે મંદિરની સેવા કરી વૈદિક પદ્ધતિથી તેની ઉજવણી કરીએ છીએ. અમને વૈદિક જીવન જીવવું ગમે છે.’
ભારતીય સંસ્કૃતિને અનુસરતાં તેઓએ માંસાહાર છોડી દીધો છે અને શુદ્ધ શાકાહારી બની ગયાં છે. ત્યાં સુધી કે ડુંગળી-લસણ અને મશરૂમનો પણ ત્યાગ કર્યો છે.
વર્ષ 2014માં તેઓ ઋષિકેશ ખાતે ગુરુ દયાનંદ સરસ્વતી દ્વારા તેમના શિષ્ય એવા આર્ષ વિદ્યામંદિરના પરમાત્માનંદજીના સંપર્કમાં આવ્યાં અને ત્યારથી દરવર્ષે જાપાનથી રાજકોટ આર્ષ વિદ્યામંદિર ખાતે મહાશિવરાત્રી ઊજવે છે. તેમના જાપાનસ્થિત પરિવારજનો તેમના આ જીવન પરિવર્તનથી ખુશ જ નથી, પરંતુ ગર્વ કરે છે.

