જી-20નું ચર્ચાસત્ર સમાપ્ત: કચ્છની વૈવિધ્યતાથી ડેલિગેટ્સ અભિભૂત

Wednesday 15th February 2023 05:05 EST
 
 

ભુજઃ કચ્છના ધોરડો ખાતે જી-20ના સભ્ય દેશોના ચર્ચા સત્રની પૂર્ણાહુતિ થઈ છે. જી-20ના સભ્ય દેશો, આમંત્રિત દેશો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના પ્રતિનિધિ ધોરડો ખાતે આવ્યા હતા. આ દરમિયાન તેઓએ સફેદ રણ, સ્થાનિક ગામો, ખડીર બેટસ્થિત ધોળાવીરાની મુલાકાત લીધી હતી. કચ્છની આ સંસ્કૃતિ અને હડપ્પન સંસ્કૃતિથી વિદેશી ડેલિગેટ્સ અભિભૂત થયા હતા.
વિદેશી ડેલિગેશને ખાડીથી રણમાં આવતું બેક વોટરવાળું નમક સરોવર, ભાતીગળ જૈવ અને ભૂમિ વિવિધતા પણ જોઈ હતી. મ્યુઝિયમ ખાતે પુરાતત્ત્વ વિભાગના અધિકારીઓએ ડેલિગેટ્સને ધોળાવીરા વિશે પ્રાથમિક માહિતી આપી હતી.
ડેલિગેશનને સાઇટની મુલાકાત વખતે ધોળાવીરા મહાનગરનો વિકાસ, નગરનિયોજન સાથે માનવ સભ્યતાના એક ઉત્તમ ઉદાહરણ તરીકે કેવી રીતે ઉપસી આવ્યું તેની વિશે જાણકારી અપાઈ હતી.
આ મુલાકાત દરમિયાન ધોળાવીરાની હડપ્પીય સંસ્કૃતિ, રહેણીકરણી, મહાનગરમાં પાણી સંગ્રહની અદભુત વ્યવસ્થા તેમજ સુરક્ષિત દીવાલો વિશે વિગતવાર માહિતી પણ અપાઈ હતી. પ્રાચીન મણકા બનાવવાની ફેક્ટરી, સુઆયોજિત સ્ટેપ વેલ, અપર ટાઉન, મિડલ ટાઉન અને લોવર ટાઉન વગેરે જોઈને ડેલિગેટ્સ રોમાંચિત થયા હતા.


comments powered by Disqus