ડાંગ જિલ્લો હવે ઓર્ગેનિક સ્ટ્રોબેરી માટે પણ પ્રખ્યાત

Wednesday 15th February 2023 07:02 EST
 
 

વાંસદા-ડાંગ: ડાંગ જિલ્લામાં ફરવાલાયક સ્થળો સાથે હવે અહીંની સ્ટ્રોબેરી પણ ખૂબ વખણાય છે. સરકારી સહાય મેળવીને આદિવાસી ખેડૂતો પરંપરાગત ખેતી સાથે સ્ટ્રોબેરીની ખેતી કરી સારી આવક મેળવી રહ્યા છે. સાપુતારા આવતા સહેલાણીઓને પણ ઓર્ગેનિક સ્ટ્રોબેરી મળતી હોઈ તેઓ સારી ખરીદી કરતા જોવા મળે છે. મહારાષ્ટ્રને અડીને આવેલા ડાંગ જિલ્લામાં આદિવાસી ખેડૂતો હવે પરંપરાગત પાક સાથે વિટામિન-સીથી ભરપૂર એવી સ્ટ્રોબેરીની ખેતી કરી રહ્યા છે, જેમાં બિયારણ માટે સબસિડી સુધી મદદ કરવામાં આવે છે. ડાંગ જિલ્લામાં ખાસ કરીને રોકડિયા પાક માટે વર્ષોથી લોકો કાંદા, વટાણા, ટામેટાં અને રીંગણા જેવા પાક લેતા હતા, પરંતુ હવે તેઓ આવા શાકભાજી સાથે સ્ટ્રોબેરીની ખેતી કરીને સારી આવક મેળવે છે. સમગ્ર ડાંગ જિલ્લો પ્રવાસન સ્થળોથી ઘેરાયેલો હોવાથી હવે આ ખેડૂતોને સ્ટ્રોબેરી વેચવા માટે બહાર જવું પડતું નથી. સાપુતારા અને મહારાષ્ટ્ર જતા માર્ગ પર ઠેરઠેર ખેડૂતો લારી લઈને સ્ટ્રોબેરી વેચીને સારો લાભ લઈ રહ્યા છે. ખાસ કરીને સ્ટ્રોબેરી મહારાષ્ટ્રના મહાબળેશ્વરનું ફળ છે, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોથી ડાંગ જિલ્લામાં પણ આ ખેતીને લોકો અપનાવતા થયા છે. ગુજરાત સરકારના બાગાયત વિભાગ દ્વારા આવા ખેડૂતો માટે તાલીમ અને સબસિડી સુધીની સહાય આપવામાં આવે છે. 


comments powered by Disqus