તુર્કીના ભૂકંપમાં વડોદરાના પરિવારનો આબાદ બચાવ

Wednesday 15th February 2023 06:59 EST
 
 

અંતાલિયાઃ મૂળ વડોદરાના અને તુર્કીની સ્કૂલમાં શિક્ષક જ્યોતિબહેન અને ટેક્સટાઇલ કંપનીમાં કામ કરતા તેમના પતિ પ્રેમાનંદનો તેમની પુત્રી સાથે તુર્કીના ભૂકંપમાં આબાદ બચાવ થયો છે. ભૂકંપમાં તેમનું બધું જ વેરવિખેર થઈ ગયું છે, પરંતુ તેમનો અને તેમની દીકરી અનિષાનો જીવ બચી ગયો હોવા અંગે તેઓ ભગવાનનો આભાર માને છે.
જ્યોતિબહેન ભૂકંપ સમયે થયેલા અનુભવ અંગે જણાવે છે કે, અમે દસ વર્ષથી તુર્કીના ગાઝિયાન્ટેપમાં રહીએ છીએ. હજુ પણ અમે બેઠાં હોઈએ ત્યારે બધી વસ્તુ હાલતી હોય એવું લાગે છે. મને છત જોઈને એક પ્રકારનો ડર લાગે છે. બંધ રૂમને બદલે કાર કે ખુલ્લી જગ્યામાં ટેન્ટમાં રહેવાનું મન થાય છે. ભૂકંપમાં અમે જીવીએ છીએ એ જ અમારા માટે મોટી વાત છે. એક પળમાં બધું જ તબાહ થઈ ગયું હતું..
હાલમાં ભૂકંપથી જીવ બચાવીને બહાર આવેલો આ પરિવાર તુર્કીના અંતાલિયામાં મિત્રના ઘરે છે. મકાન લીધાને એક વર્ષ પણ નહોતું થયું, ત્યાં સોમવારે 7.8ની તીવ્રતાના ભૂકંપે બધું તબાહ કરી દીધું. જ્યોતિબહેને જણાવ્યું કે, નાની દીકરી અનિષા બેડરૂમમાં હતી. હું તેના રૂમમાં હતી. સવારે 4:15 વાગ્યે હેડ લેમ્પ હાલ્યો. દીકરીને લઈ હું અને પતિ ઉંબરે પહોંચ્યાં ત્યારે અમને લાગ્યું કે આ અમારા જીવનનો છેલ્લો દિવસ છે. અમારા ઘરમાંથી નીકળતાં જ ઘર તૂટી પડ્યું હતું.
ધરતીકંપ પછીના ત્રણ દિવસ જ્યોતિબહેન અને તેમનો પરિવાર કારમાં ફરતો રહ્યો. સોમવારે રાત્રે પીવા પાણી પણ નહોતું. રોડ ફાટે તો કાર અંદર દબાઈ જવાનો ડર હતો. જ્યોતિબહેને જણાવ્યું કે, બાદમાં અમે અંતાલિયામાં રહેતા અમારા મિત્રના ઘરે જતા રહ્યા. રસ્તામાં વિનાશ જોયો, ઇમારતોમાંથી કાટમાળ વચ્ચેથી બાળકોની લાશો નીકળી રહી હતી.


comments powered by Disqus