આણંદઃ કોઈપણ દુર્ઘટનાનો શિકાર થવાથી અથવા કોઈ બીમારીના કારણે હાથ ખોઈ ચૂકેલા દિવ્યાંગો માટે આશાનું એક નવું કિરણ બનનારો આવિષ્કાર ગુજરાતમાં થયો છે. આણંદ જિલ્લામાં સ્થિત બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલયના ત્રણ વિદ્યાર્થીઓ જય ગોસ્વામી, રોનક અભાણી અને કૈવલ્ય પંડ્યાએ પ્રોફેસર વિનય પટેલ અને પ્રોફેસર આશિષ ઠક્કરના માર્ગદર્શન હેઠળ પ્રોસ્થેટિક લિંબ રોબોટ હાથને તૈયાર કર્યો છે. આ રોબોટ હાથને ડિઝાઇનને ભારત સરકાર દ્વારા પેટન્ટ પણ આપવામાં આવી છે. આ બંને પ્રોફેસરના માર્ગદર્શનમાં તૈયાર થયેલા આ આવિષ્કારને ગુજરાત વિજ્ઞાન અને ટેકનિકલ વિભાગ ઉપરાંત ગુજરાત વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી પરિષદ દ્વારા આયોજિત રોબોફેસ્ટ 2.0માં પ્રથમ સ્થાન પ્રાપ્ત થઈ ચૂક્યું છે. ટીમ રોબોટ હાથને સ્ટાર્ટઅપ કંપની દ્વારા બજારમાં ઉતારવાનું વિચારી રહી છે.
4 આંગળી અને અંગૂઠા સાથે બંધ થશે મુઠ્ઠી
લિંબ રોબોટ હાથને ડિઝાઇન કરનારા પ્રોફેસર આશિષ ઠક્કરે જણાવ્યું કે, દિવ્યાંગને આ ટેકનિક દ્વારા ચાર આંગળી અને અંગૂઠો આપવામાં આવશે. જેમાંથી દરેક આંગળી સામાન્ય આંગળીની જેમ જ કાર્ય કરી શકશે, જેનાથી દિવ્યાંગ કંઈપણ વસ્તુ સરળતાથી પકડી શકશે.
વધારે વજન ઉપાડતાં વાઇબ્રેટ થશે પ્રોસ્થેટિક હેન્ડ
પ્રોફેસર ઠક્કરે આ અંગે જણાવ્યું કે, આમાં ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, એઆઇ, 3ડી પ્રિન્ટિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં સેન્સર પણ લગાવવામાં આવ્યા છે. આ પ્રોસ્થેટિક હાથ એક કિલો સુધીનું વજન ઉંચકવા માટે સક્ષમ છે, જેનાથી ફૂલ, ખુરશી, પાણી અને બોટલ જેવી વસ્તુઓ સરળતાથી ઉંચકી શકાશે.

