દેશની દીકરીઓ રાફેલ યુદ્ધવિમાન ઉડાવી રહી છે : મોદી

Wednesday 15th February 2023 08:32 EST
 
 

દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતી પર આયોજિત કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન તેમણે પ્રાસંગિક સંબોધન પણ કર્યું. જેમાં મહર્ષિ દયાનંદ સરસ્વતીએ સમાજના કલ્યાણ માટે કરેલાં કાર્યોની ચર્ચા કરી. 21મી સદીમાં આજે જ્યારે વિશ્વ અનેક વિવાદોમાં ફસાયેલું છે, હિંસા અને અસ્થિરતામાં ઘેરાયેલું છે ત્યારે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીએ ચીંધેલો માર્ગ કરોડો લોકોમાં આશાનો સંચાર કરે છે. મહર્ષિ દયાનંદનો જન્મ થયો ત્યારે દેશ સદીઓની ગુલામીને કારણે નબળી પડી રહેલી પોતાની આભા, તેજ અને આત્મવિશ્વાસ એમ બધું જ ગુમાવતો જઈ રહ્યો હતો.
મહર્ષિ દયાનંદે મહિલા શિક્ષણ અભિયાન હાથ ધર્યું હતું
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મહિલાઓ અંગે સમાજમાં જે રૂઢિઓ ઘર કરી ગઈ હતી તેમની સામે મહર્ષિ દયાનંદજી તાર્કિક અને અસરકારક અવાજ બનીને ઊભર્યા. તેમણે મહિલાઓ સામેના ભેદભાવોનું ખંડન કર્યું. મહિલા શિક્ષણ માટે અભિયાન હાથ ધર્યું. આજે દેશની દીકરીઓ પણ રાફેલ યુદ્ધવિમાન ઉડાવી રહી છે. ગરીબો અને વંચિતોનું ઉત્થાન સર્વોચ્ચ પ્રાથમિકતા બની ગયું છે.
દયાનંદ સરસ્વતીએ અનેક સંસ્થાઓનું સર્જન કર્યું. મોદીએ કહ્યું કે, સ્વામી દયાનંદ સરસ્વતીજીએ તેમના જીવનમાં માત્ર એક માર્ગ નથી ચીંધ્યો. તેમણે અનેક સંસ્થાઓનું સર્જન પણ કર્યું. તેઓ તેમના જીવનકાળમાં ક્રાંતિકારી વિચારો લઈને ચાલ્યા. તે વિચારો સાથે જીવ્યા અને લોકોને પણ તેમ કરવા માટે પ્રેરિત કર્યા. તેમણે દરેક વિચારને વ્યવસ્થા સાથે જોડ્યો. સ્વામી દયાનંદજીએ જે બીજ વાવ્યું હતું તે આજે વિશાળ વટવૃક્ષના રૂપમાં સમગ્ર માનવતાને છાંયો આપી રહ્યું છે.


comments powered by Disqus