પાટણ યુનિવર્સિટીમાં વિવિધ પાક પર થશે રિસર્ચ

Wednesday 15th February 2023 05:05 EST
 
 

પાટણઃ પાટણ યુનિવર્સિટીના લાઇફ સાયન્સ વિભાગને પ્રાકૃતિક ખેતી વિષયક સંશોધન માટે પ્રથમવાર રૂ. 71 લાખની માતબર રકમનું અનુદાન મળ્યું છે. જેના થકી યુનિવર્સિટીમાં જ વિવિધ પ્રકારના શાકભાજી તેમજ કેટલાક પાકનું પ્રાકૃતિક પ્રકારે વાવેતર કરવામાં આવશે. ઉત્તર ગુજરાતમાં પ્રથમવાર ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણમાં એરંડા, જીરુ, રાય તેમજ બટાટાના પાક પર રિચર્સ કરવામાં આવશે અને આ તમામ પાકનું વાવેતર પ્રાકૃતિક રીતે કરવામાં આવશે.

પાટણ યુનિવર્સિટીમાં વિવિધ પ્રકારના શાકભાજી તેમજ કેટલાક પાકનું પ્રાકૃતિક પ્રકારે વાવેતર કરવામાં આવશે. જે રોગમુક્ત અને લોકોના શરીરને ફાયદાકારક બની રહે તે પ્રકારની પહેલ કરવામાં આવી છે. આગામી સમયમાં યુનિવર્સિટીની ખેતીલાયક જમીનમાં 4 પ્લાન્ટ બનાવી ઉત્તર ગુજરાતમાં થતા મુખ્યત્વે જીરુ રાયડો, એરંડા, બટાકાના પાક પર રિસર્ચ કરવામાં આવશે. હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સિટીના લાઇફ સાયન્સ ડિપાર્ટમેન્ટના ડો. આશિષ પટેલ અને ડો. હિમાંશુ બારિયાએ પ્રાકૃતિક ખેતી વિષયક સંસોધન બાબતે માહિતી આપતાં જણાવ્યું કે, આ સંશોધનમાં મુખ્યત્વે ખેતરમાંથી પ્રાપ્ત થતાં કુદરતી તત્ત્વો જેવાં કે ગૌમૂત્ર, પાંદડાં, ડાળીઓ જેવી અન્ય વસ્તુઓથી કુદરતી ખાતર જેવી કે બીજામૃત, જીવામૃત ફૂગનાશકનો ઉપયોગ કરીને કુદરતી ખાતરથી ખેતીના પાકોના વૃદ્ધિ અને વિકાસનો અભ્યાસ કરાશે.
આ પ્રાકૃતિક ખેતી પ્રોજેક્ટ અંગે ઇન્ચાર્જ કુલપતિએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટીમાં શિક્ષણની સાથે સમાજના હિતમાં એક આયોજન કર્યું છે. જેમાં કેમ્પસમાં બિનઉપયોગી જમીનમાં કુદરતી ખાતર દ્વારા આરોગ્યયુક્ત શાકભાજી પ્રાકૃતિક ખેતી કરાશે. ઉત્પાદન કરેલાં શકાભાજી કર્મચારી મંડળ મારફતે કેમ્પસમાં ગેટ પાસે સ્ટોલ બનાવી વેચાણ કરાશે. અહીં ગ્રાહકને પ્રાકૃતિક શાકભાજીના ફાયદા અંગે જાણકારી અપાશે.


comments powered by Disqus