પ્રધાનમંત્રીની એક્સપ્રેસ-વેની ભેટઃ સુરત-વડોદરાને મોટો ફાયદો

Wednesday 15th February 2023 08:25 EST
 
 

દિલ્હીઃ પ્રધાનમંત્રી મોદી દ્વારા ગુજરાતની સાથે અન્ય 4 રાજ્યને મોટી ભેટ આપવામાં આવી છે. પ્રધાનમંત્રી મોદીએ 12 ફેબ્રુઆરીએ દેશનાં બે મહાનગર દિલ્હી અને મુંબઈને એક જોડતા 1380 કિ.મી. લાંબા રાજમાર્ગના પ્રથમ ફેઝનું ઉદ્ઘાટન કર્યું, જે સોહનાથી દૌસા સુધી 246 કિ.મી.નો છે. આગળ જતાં આ હાઇવે વડોદરા અને સુરતથી પસાર થતાં ગુજરાતને પણ આ એક્સપ્રેસ-વેનો ફાયદો મળશે, જેથી રાજ્યોને આર્થિકરૂપે મજબૂત કરવાની સાથે લોકોની સુવિધાઓમાં વધારો થશે.
એક્સપ્રેસ-વેથી વડોદરા અને સુરત સિવાય નજીકના જિલ્લા અમદાવાદ, બનાસકાંઠા, અરવલ્લી, ડાંગ, નર્મદા, ભરૂચ, નવસારી, તાપી, વલસાડ, પાટણ અને મહેસાણાથી અન્ય રાજ્યોમાં થતા વેપારમાં વૃદ્ધિ થશે. આ સિવાય કોટા, ઇન્દોર, જયપુર, ભોપાલ, વડોદરા અને સુરતથી કનેક્ટિવિટી સારી કરશે. એક્સપ્રેસ-વે પર 40થી વધુ ઈન્ટરચેન્જ હશે. એક અંદાજ મુજબ આ પ્રોજેક્ટથી 10 કરોડ લોકોને રોજગારીની ભેટ મળશે.
આ રાજમાર્ગ માર્ચ 2023માં પરિપૂર્ણ થવાનો હતો, પરંતુ કોરોનાના સંકટના કારણે આ હાઇવેનું કામ નિર્ધારિત સમય કરતાં મોડું ચાલી રહ્યું છે. આ એક્સપ્રેસ-વે દિલ્હી સિવાય હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રને જોડી રહ્યો છે. આ એક્સપ્રેસથી દિલ્હીથી મુંબઈ સુધીનું અંતર માત્ર 10થી 12 કલાકનું જ રહી જશે. આ એક્સપ્રેસ-વેની વિશેષતા હશે કે તેના પર કોઈ ટોલબૂથ નહીં હોય, એક્સપ્રેસ-વે પર ચડતાં ફાસ્ટટ્રેકથી ટોલ આપમેળે ટોલ કપાશે. આ સિવાય દર 60 કિ.મી.ના અંતરે રેસ્ટ એરિયા હશે, જ્યાં ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ પોઇન્ટ, હોસ્પિટલ, ઢાબા અને પાર્કિંગ સહિતની સુવિધા ઉપલબ્ધ હશે.
આગળ જતાં આ એક્સપ્રેસ-વે કાશ્મીરથી કન્યાકુમારીને જોડી દેવાશે. અનેક રાજ્યોમાંથી પસાર થતા એક્સપ્રેસ-વે હાલમાં 8 લેનનો છે, જેને સમયને અનુરૂપ થઈને 12 લેન સુધી કરી શકાય છે. આ સમગ્ર એક્સપ્રેસ-વે પર ફાઇબર ઓપ્ટિકની સાથે સીસીટીવીનું નેટવર્ક બિછાવવામાં આવ્યું છે. જેના દ્વારા હાઇવે પર અકસ્માત કે કાર બંધ થવાના સંજોગોમાં કંટ્રોલરૂમને સૂચના મળશે. આ સિવાય જોઈએ તો આ એક્સપ્રેસ-વે પર ઓટોમેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ કાર્યરત્ રહેશે.
આ એક્સપ્રેસ-વે પર બે એર સ્ટ્રીપ પણ બનાવવામાં આવશે. જ્યાંથી આપાતકાલીન સ્થિતિમાં એરફોર્સ વિમાન ટેકઓફ અને લેન્ડિંગ થઈ શકશે. માનવામાં આવી રહ્યું છે કે બીજા તબક્કામાં આગળ વધતાં ભૌગોલિક સ્થિતિને જોતાં આ એર સ્ટ્રીપ રાજસ્થાન અને ગુજરાતમાં બનાવવામાં આવશે, જેથી આપાતકાલીન સ્થિતિમાં એરફોર્સનાં વિમાનોના લેન્ડિંગ અને ટેકઓફમાં મદદરૂપ બની શકે.


comments powered by Disqus