નવી દિલ્હીઃ ભારત-પે એપ્લિકેશન કંપનીના મૂળ સ્થાપક ભાવિક કોલડિયાએ અત્યાર સુધીમાં ભારતની સૌથી મોટી ડેટા ચોરી કરી છે. કંપનીની સામે પડેલા સહસ્થાપક અશનીર ગ્રોવરે કોલડિયા સામે યુપીઆઇ એપના 15 કરોડ યુઝર્સના ડેટાની ચોરી કરી હોવાના આક્ષેપ કર્યા છે. ગ્રોવર ભારત-પેના એમડી છે. તેમણે નેશનલ પેમેન્ટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા તેમજ કૌશિક દત્તાને ઇ-મેઇલ કરીને આ આક્ષેપ કર્યા છે. તેમણે કહ્યું કે, સંગઠનના વ્હીસલ બ્લોઅરે ડેટા ચોરી તરફ ધ્યાન દોર્યું હતું. ગોવરે ઇ-મેઇલમાં લખ્યું છે કે, ભારત-પે પર તેમને તક આપવી તે ભૂલ હતી. તેને કારણે ભારતમાં કદી ના સર્જાઈ હોય તે કદની ડેટાચોરી કરી છે. આ લખતી વખતે તેમણે કોલડિયા અમેરિકામાં ક્રેડિટ કાર્ડ કૌભાંડ કેસમાં દોષિત ઠર્યા હતા તે હકીકત પણ ટાંકી હતી. ૬ ફેબ્રુઆરીના રોજ લખવામાં આવેલા ઇ-મેઇલમાં જણાવ્યા મુજબ 40 વર્ષના આરોપી કોલડિયાએ ખૂબ જ પદ્ધતિસર કૌભાંડ આચર્યું હતું.

