ભાવનગરઃ ભાવનગરની જાણીતી કલાપંથ સંસ્થાએ આફ્રિકાના 10 દિવસના સાંસ્કૃતિક પ્રવાસ દ્વારા ભારતીય ગુજરાતી લોકકલા અને સંસ્કૃતિનું આદાન-પ્રદાન કરી સફળતાનાં સર્વોચ્ચ શિખર સર કરી ભારત પરત ફરેલ ભાવનગરની સુપ્રસિદ્ધ અને લોકપ્રિય એવી કલાપથ સંસ્થાની લોકકલાની બેનમૂન પ્રસ્તુતિથી આફ્રિકાના દર્શકોને ડોલાવ્યા હતા.
લોકનૃત્યોની ભારે જમાવટ કરી
કુશલ દીક્ષિતના નેજા હેઠળ ભારત સરકાર દ્વારા આફ્રિકાનાં વિવિધ સ્થળો જેવાં કે કિન્સાસા, બ્રેઝેવિલે, લિબ્રેવિલે અને ખરટુંમનાં વિવિધ સેન્ટર્સમાં રાસ-ગરબા અને લોકનૃત્યોની ભારે જમાવટ કરી કલાપથ સંસ્થાએ અનહદ લોકચાહના પ્રાપ્ત કરી હતી. આઝાદી કા અમૃત મહોત્સવ અને 74મા પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે ગુજરાતનાં લોકનૃત્યોની પ્રસ્તુતિ કરવામાં આવી, જેમાં દરેક સેન્ટરના એમ્બેસડર દ્વારા ભવ્યાતિભવ્ય સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો.
દરેક કલાકારને ચંદ્રક આપી સન્માનિત કર્યા
આ કાર્યક્રમ બાદ સ્થાનિક દર્શકોને સામૂહિક રાસ-ગરબા રમાડી નવરાત્રીનો માહોલ બનાવી આનંદ કરાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમને ખૂબ જ બિરદાવી કલાની કદર કરતા ભારતીય દૂતાવાસ દ્વારા દરેક કલાકારને ચંદ્રક આપી સન્માનિત કર્યા હતા. કલાપથ સંસ્થાએ સફળતાપૂર્વક વિદેશ પ્રવાસ કરી ગુજરાતની અને ભારતની કલાને ઉચ્ચ સ્થાને રજૂ કર્યું છે.

