મદનીએ કહ્યુંઃ ઓમ-અલ્લાહ એક, ધર્મગુરુઓનો ભડકીને વોકઆઉટ

Wednesday 15th February 2023 08:34 EST
 
 

દિલ્હીઃ જમિયત ઉલેમા એ હિન્દના અધિવેશનના છેલ્લા દિવસે મૌલાના અરશદ મદનીના એક નિવેદનથી હોબાળો મચી ગયો છે. 34મા અધિવેશનમાં મદનીએ મોહન ભાગવતના નિવેદનની ટીકા કરતાં કહ્યું કે, અલ્લાહ અને ઓમ એક જ છે. જો કે આ નિવેદનથી મંચ પર બેઠેલા અન્ય ધર્મગુરુઓ ભડકી ગયા અને તેઓ મંચ છોડીને જતા રહ્યા. દિલ્હીના રામલીલા મેદાનમાં અધિવેશનના છેલ્લા દિવસે મૌલાના મદનીએ કહ્યું હતું કે, મેં પૂછ્યું કે જ્યારે કોઈ ન હતું. શ્રીરામ ન હતા અને શિવ પણ ન હતા, તો મનુ પૂજતા કોને હતા. કોઈ કહે છે કે શિવને પૂજતા. ઘણા ઓછા લોકોએ કહ્યું કે, મનુ ઓમને પૂજતા હતા. ઓમ કોણ છે? બહુ ઓછા લોકોએ કહ્યું કે, તેનાં કોઈ રંગ કે રૂપ નથી. તે દુનિયામાં દરેક સ્થળે છે. અરે બાબા તેને જ તો અમે અલ્લાહ કહીએ છીએ. તેને તમે ઇશ્વર કહો છો. મદનીના આ નિવેદનનો જૈન મુનિ લોકેશે વિરોધ કર્યો. તેમણે મંચ પર કહ્યું કે, આ અધિવેશન લોકોને એક્બીજા સાથે જોડવાની વાત કરે છે, ત્યારે આ નિવેદન ક્યાં યોગ્ય છે? આટલું બોલીને તેઓ મંચ પરથી ઊઠીને જતા રહ્યા. ત્યાર પછી બીજા ધર્મોના સંતો પણ કાર્યક્રમ છોડીને જતા રહ્યા.


comments powered by Disqus