યુપીનો કુલવંત 33 વર્ષે મેડિકલનો અભ્યાસ પૂર્ણ કરશે

Wednesday 15th February 2023 08:28 EST
 
 

લખનઉઃ લખનઉસ્થિત કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટીએ એક વિદ્યાર્થીને 33 વર્ષે તેની એમબીબીએસની ડિગ્રી પૂરી કરવાની તક આપી છે. આ નસીબદાર વ્યક્તિનું નામ કુલવંત છે, જેને કેજીએમયુ તરફથી ભણતર પૂરું કરવાની અનુમતિ મળી ગઈ છે.
ઉત્તરપ્રદેશના સુલ્તાનપુરનો રહેવાસી કુલવંત સિંહ કેજીએમયુ દ્વારા આપવામાં આવેલી તકને કારણે ઉત્સાહિત છે. કુલવંતસિંહ જેવા બીજા 37 વિદ્યાર્થીને લખનઉની કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટી દ્વારા બીજી તક આપવામાં આપતાં પત્ર લખવામાં આવ્યા છે, જેમાંથી 2 વિદ્યાર્થી દ્વારા જવાબ અપાયો છે.
મીડિયા રિપોર્ટ અનુસાર કેજીએમયુએ અનેક વિદ્યાર્થીઓને પત્ર લખ્યો છે, જેઓ અગમ્ય કારણોસર તેમનો અભ્યાસ પૂર્ણ કરી શક્યા નહોતા. મેડિકલ ક્ષેત્રમાં તેમનું ભણતર પૂરું કરવાની છેલ્લી તક મળવાને કારણે અનેક પૂર્વ વિદ્યાર્થીઓ અતિઉત્સાહિત છે. ઉલ્લેખનીય છે કે, પૂર્વ વિદ્યાર્થીઓએ નવા નિયમો અનુસાર તેમનો મેડિકલ અભ્યાસ પૂર્ણ કરવાનો રહેશે. કિંગ જ્યોર્જ મેડિકલ કોલેજના ડીનના જણાવ્યા અનુસાર, યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને ફરીથી એડમિશન મેળવવાની તક આપવામાં આવી રહી છે. પોતાનો મેડિકલ અભ્યાસ પૂરો કરવાની આ વિદ્યાર્થીઓ પાસે સુવર્ણ તક છે. નેશનલ મેડિકલ કાઉન્સિલના નિયમોને ધ્યાને લઈને વિદ્યાર્થીઓને ફરી એક તક આપવામાં આવી છે.


comments powered by Disqus