મહેસાણાઃ વડનગરથી 4 કિ.મી.ના અંતરે શેખપુર રોડ પરની આયુર્વેદિક હોસ્પિટલમાં કેશ કાઉન્ટર જ નથી. કરુણા સેતુ ટ્રસ્ટ સંચાલિત આ વસંત પ્રભા આયુર્વેદિક હોસ્પિટલમાં દરેક રોગોની નિ:શુલ્ક સારવાર અપાય છે. ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના દર્દીઓ પણ અહીં સારવાર લે છે. દર્દીઓને રહેવા-જમવા ઉપરાંત દવા પણ વિનામૂલ્યે આપવામાં આવે છે.
અહીં જરૂર પડ્યે ઓપરેશનની સુવિધા પણ છે. હઠીલા રોગોના દર્દીઓ માટે આ હોસ્પિટલ આશાનું કિરણ બની છે. વર્ષ 2020માં વડાપ્રધાન મોદીના ગુરુ વસંતભાઈ પરીખના ‘સેવા હી પરમોધર્મ’ના ઉદ્દેશ સાથે સ્થપાયેલી આ આયુર્વેદિક હોસ્પિટલમાં રોજ 200થી વધુની ઓપીડી રહે છે, જે પૈકી 50 દર્દીની સારવાર થાય છે. બસ સ્ટેન્ડથી હોસ્પિટલ આવવા માટે વાહનની વ્યવસ્થા પણ હોસ્પિટલ દ્વારા કરાઈ છે. મહિને રૂ.2 થી 2.50 લાખનો ખર્ચ દવાઓ પાછળ થાય છે.

