વડોદરાઃ ‘શહેરના ફેફસાસમાન સયાજીબાગમાં હવે વધારે કોંક્રિટ ભરવાનું બંધ કરો’ આ શબ્દો છે રાજમાતા શુભાંગિનીરાજે ગાયકવાડના. સોકલીનનો ‘ક્લાઇમેન્ટ ચેન્જ : રોડમેપ ફોર વડોદરા અર્બન રિઝન’ વિષય પર લક્ષ્મીવિલાસ પેલેસમાં સેમિનાર હતો. જેમાં પ્રેસિડન્ટ રાજમાતા શુભાંગિનીરાજે ગાયકવાડે 3 વખત અપીલ કરી કે, સયાજીબાગ પહેલા ચોખ્ખું અને હરિયાળું હતું, પછી પ્લેનેટોરિયમ અને મ્યુઝિયમ આવ્યું, પછી અનેક બાંધકામો થયાં.’ રાજમાતાની અપીલમાં સેમિનારમાં રાવપુરાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ અને વેજલપુરના એમએલએ અમિત ઠાકર સહમત થયા હતા.
11 ફેબ્રુઆરીએ યોજાનારા આ સેમિનારમાં કમિશનર બંછાનિધિ પાની પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લએ સોકલીન દ્વારા ક્લાઇમેટ ચેન્જ પર યોજવામાં આવેલ શિબિરને બિરદાવી હતી.
ચર્ચાનું શ્વેતપત્ર મેયર-કમિશનરને આપીશુંઃ બાલકૃષ્ણ શુકલ
રાજમાતાએ જણાવ્યું કે, સયાજીબાગ શહેરનાં ફેફસાં છે, હવે આરસીસીના વધુ સ્ટ્રક્ચર ઊભા કરવાં ન જોઈએ. જે બાદ ધારાસભ્ય બાલકૃષ્ણ શુકલે જણાવ્યું કે, ક્લાઇમેટ ચેન્જની જે મિટિંગ થાય અને તેનો નિષ્કર્ષ નીકળે અને જે શ્વેતપત્ર બને તેને કમિશનર અને મેયરને આપી ચર્ચા કરવી જોઈએ. જેથી તેઓ કાર્યવાહી કરી શકે.
સયાજીબાગમાં 9 બાંધકામ રોક્યાં
મોર્નિંગ વોકર ગ્રૂપ થકી જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. મેયર બંગલો, લેઝર ફાઉન્ટેન અને વોલ, બટર ફ્લાય પાર્ક, લાઇટ એન્ડ સાઉન્ડ શો, તેમજ ટોય ટ્રેનના સ્ટેશન પર રેસ્ટોરન્ટનું બાંધકામ મોર્નિંગ વોકર ગ્રૂપ દ્વારા અટકાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે હાલમાં સયાજીબાગમાં પ્લેનેટોરિયમ, મ્યુઝિયમ, ઝૂ, કેબલ બ્રિજ અને મ્યુનિ. કમિશનર બંગલો બનાવવામાં આવ્યાં છે.

