વડોદરાઃ મેક ઇન ઇન્ડિયા અંતર્ગત તૈયાર થયેલી સેમિ હાઇસ્પીડ ટ્રેન વંદે ભારતના 16માંથી 8 કોચ હટાવી તેને વંદે મેટ્રો કરવાની તૈયારી હાથ ધરવામાં આવી છે. 8 કોચ સાથે આ ટ્રેનને કાર્યરત્ કરી નાનાં તમામ શહેરોને જોડવા માટે વંદે મેટ્રોનો નવો કોન્સેપ્ટ શરૂ થઈ રહ્યો છે. આઇસીએફ ચેન્નઈમાં તેનું પ્રોડક્શન શરૂ થયું છે. વડોદરાની કંપનીએ 13 ટ્રેનનું ઇન્ટિરિયર કર્યું છે.
મુંબઈ લોકલની જેમ દરેક નાનાં સ્ટેશનોને જોડતી સમગ્ર દેશમાં લોકલ ટ્રેન શરૂ થાય તેવું આયોજન વંદે મેટ્રો અંતર્ગત વિચારાઈ રહ્યું છે. ઓછા ડિસ્ટન્સની ટ્રેનમાં મુસાફરોની સંખ્યા ઓછી હોવાથી નાની ટ્રેન બનાવવાનો નિર્ણય કરાયો છે. બજેટમાં અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 15 નાનાં સ્ટેશન આધુનિક કરાશે, ત્યારે ‘વંદે મેટ્રો’ આ સ્ટેશનને પણ કનેક્ટ કરે તેવી વિચારણા ચાલી રહી છે. આ પ્રોજેક્ટની સફળતા બાદ કાર્ગો અને સ્લીપર કોચ પણ વંદે મેટ્રોમાં જોડાશે.
8 કોચ, કાર્ગો અને સ્લીપર પર કામ ચાલુ
વંદે ભારતમાં 8 કોચની ટ્રેન, કાર્ગો અને સ્લીપર કોચ પર કામ થઈ રહ્યું છે. સ્લીપર કોચમાં માત્ર ઇન્ટિરિયરનો બદલાવ છે. કાર્ગો ટ્રેન માટેની ડિઝાઇન તૈયાર થઈ રહી છે, જે કાર્ગોને નવી ગતિ આપશે અને નવા યુગનો પ્રારંભ કરશે.

