વેલેન્ટાઇન ડેઃ પતિને નવજીવન માટે કિડની ડોનેટ મામલે પત્નીઓ મોખરે

Wednesday 15th February 2023 05:04 EST
 
 

અમદાવાદઃ 14મી ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડે નિમિત્તે પ્રેમનો એકરાર કરવા માટે લોકો મોંઘીદાટ ગિફ્ટ આપતા હોય છે. જો કે પતિને નવી જિંદગી મળે તે માટે કિડની ગિફ્ટ કરવા મામલે પત્નીઓ મોખરે રહી છે. અમદાવાદની કિડની ઈન્સ્ટિટ્યૂટમાં છેલ્લાં પાંચ વર્ષમાં વિવિધ કિસ્સામાં 178 પત્નીએ પોતાના પતિને કિડનીનું દાન આપ્યું છે, જ્યારે 32 કિસ્સામાં પતિએ પત્નીને કિડની આપી નવજીવન બક્ષ્યું છે.
પ્રેમને જીવંત રાખવા માટે કિડનીની અનમોલ ભેટ એ જિંદગીભર યાદગાર બની રહે છે. અમદાવાદની કિડની ઈન્સ્ટિટ્યૂટમાં વર્ષ 2018થી 2022નાં પાંચ વર્ષમાં પત્નીએ પતિની જિંદગીને નવજીવન મળે તે માટે કુલ 178 કિસ્સામાં કિડનીની ગિફ્ટ આપી છે. વર્ષ 2018માં કુલ 40, 2019માં 45 કિસ્સામાં કિડની ડોનેટ કરી ટ્રાન્સપ્લાન્ટ કરાયાં છે. વર્ષ 2020માં કોરોનાકાળ નડતાં ટ્રાન્સપ્લાન્ટ પ્રક્રિયાને અસર થઈ હતી, તેવા સમયે પણ 15 કિસ્સામાં પત્નીએ પોતાના પતિને કિડની ગિફ્ટ કરી હતી. એ પછી વર્ષ 2021માં 35 અને 2022માં 43 કિસ્સામાં કિડની દાન કરાઈ હતી. પતિએ પોતાની પત્નીની જિંદગી બચાવવા કિડની ડોનેટ કરી હોય તેવા પાંચ વર્ષમાં 32 કિસ્સા બન્યા છે, જેમાં 2018માં 9, 2019માં 9, 2020માં 2, 2021માં 6 અને 2022માં 6 કિસ્સામાં પતિએ પત્નીને કિડની આપી છે.


comments powered by Disqus