અમદાવાદઃ સિનિયર આઇપીએસ અધિકારીને દુષ્કર્મના કેસમાં ફસાવવાના ષડ્યંત્રમાં એટીએસની ટીમે 2 પત્રકાર તેમજ એક રાજકીય પક્ષના આગેવાન સહિત 5 શખ્સની ધ૨પકડ કરી હતી. આ પાંચેય શખ્સે દુષ્કર્મ પીડિત મહિલાની એફિડેવિટમાં છેડછાડ કરીને અધિકારીને દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને રૂ. 8 કરોડની ખંડણી માગી હતી. જો કે અધિકારીએ પૈસા આપવાની ના પાડતાં એફિડેવિટ અને સમાચાર વહેતા કર્યા હતા.
ગુજરાત એટીએસના એસ.પી. સુનિલ જોશીએ જણાવ્યું હતું કે, અધિકારીને બદનામ કરવા માટે આ એફિડેવિટ વહેતી કરવામાં આવી હતી, જેની ગંભીરતાથી નોંધ લઈને ડીજીપીએ તપાસ સોંપી હતી. પોલીસે ભોગ બનનારી મહિલાની પૂછપરછ ક૨તાં તેણે જે એફિડેવિટ કરી હતી તેમાં કોઈ સિનિયર આઇપીએસ અધિકારીનું નામ લખાવ્યું ન હોવાનું જણાવ્યું હતું, પરંતુ જી.કે. પ્રજાપતિ ઉર્ફે જી.કે. દાદા, સુરતના હરેશ જાદવ, મહેન્દ્રસિંહ પ૨મા૨ ઉર્ફે રાજુ તેમજ 2 પત્રકાર આશુતોષ પંડ્યા અને કાર્તિક જાનીએ ભેગા મળીને મહિલાની એફિડેવિટમાં છેડછાડ કરીને તેમાં આઇપીએસ અધિકારીનું નામ લખી દીધું હતું. ત્યારબાદ તે એફિડેવિટના આધારે અધિકારીને બદનામ કરવાની ધમકી આપીને તેમની પાસેથી તેમજ તેમના અંગત માણસો પાસેથી રૂ. 8 કરોડની ખંડણી માગી હતી.
મહિલાની કબૂલાતના આધારે એટીએસની ટીમે હાલમાં પાંચેય આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. જો કે આ ષડ્યંત્રમાં હજુ ઘણા લોકોની ધરપકડ થવાની શક્યતા છે.

