સુરત: તાપી નદીના કિનારે ચોકબજારસ્થિત આવેલો ઐતિહાસિક સૂર્યપુર કિલ્લો સુરત શહેરની ધરોહર છે. જેને સુરત મહાનગરપાલિકા દ્વારા જીવંત કરવામાં આવી છે. શહેરના ભવ્ય ઇતિહાસને ઉજાગર કરવા અને ઐતિહાસિક ઇમારતો અને સાઇટને જીવંત રાખવા મનપા સતત પ્રયત્નશીલ છે. થોડા વખત અગાઉ સુરત શહેરની મધ્યમાં આવેલા ગોપીતળાવને પણ કોર્પોરેશન દ્વારા ડેવલપ કરાયું હતું, તેમજ બે વર્ષ અગાઉ ચોકબજારસ્થિત કિલ્લાને પ્રથમ તબક્કામાં ડેવલપ કરાયા બાદ હવે બીજા તબક્કાનું કામ પણ પૂર્ણ થયું છે.
ઇ.સ. 1373માં ફિરોઝશાહે બંધાવેલો સુરતનો કિલ્લો માટી, લીંપણ અને ઘાસથી બનાવવામાં આવ્યો હતો. ત્યા૨બાદ 16મી સદીમાં સુરતના કિલ્લાને ડેવલપ કરાયો હતો. ઐતિહાસિક કિલ્લાની કમ્પાઉન્ડ વોલ નાની હતી. કિલ્લા ફરતે અંદાજે 6 ફૂટની દીવાલ બનાવવામાં આવી હતી, જેના પર કાંટા અને કાચ પાથરવામાં આવ્યા હતા. 13મી સદીમાં બનાવવામાં આવેલા કિલ્લાની સાઇઝ હાલના કિલ્લા કરતાં અડધી હતી. 13મી સદીમાં કિલ્લાની છત ઘાસ અને નળિયાથી બનાવવામાં આવી હતી.
ઇ.સ. 1540માં જૂના નાના કિલ્લાને સ્થાને નવો મજબૂત અને વિશાળ કિલ્લો બાંધવામાં આવ્યો હતો. તાપી નદીના હોપપુલ પાસે સુરત જીતવા મોગલ બાદશાહ અકબર પોતે અહીં આવ્યો હતો. જેણે થોડા અરસામાં યુદ્ધના જોરે સુરતના કિલ્લા પર કબજો મેળવ્યો હતો.
સદીઓ બાદ ડેવલપ કરાયેલા કિલ્લાનો નજારો કંઈક અલગ જ લાગે છે. સુરત મહાનગરપાલિકાના અધિકારી પૃથ્વીરાંગ કરચુરે જણાવ્યું હતું કે, આ કિલ્લો સુરતની વિરાસત છે. સુરત પ્રવાસે આવનારા લોકોને હેરિટેજ ટૂર કરવા માટેનું મજબૂત કારણ મળી ગયું છે. આ કિલ્લાનો પ્રથમ ફેઝ રૂ. 21.73 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. બીજા ફેઝમાં રૂ. 40 કરોડથી વધુનો ખર્ચ થયો છે. કિલ્લામાં ઇન્ફોર્મેશન અને ઓરિએન્ટેશન થીમ, તુગલક એરિયા, બ્રિટિશ કાફેટેરિયા બનાવવામાં આવ્યું છે. બીજી ઇમારતમાં ગ્રાઉન્ડ પ્લસ બે ફ્લોર છે, જેમાં મુગલ કચેરી, ડચ કોર્ટ, રમ ગેલેરી, કેનોન ગન ડિસ્પ્લે વગેરે મૂકવામાં આવ્યાં છે. ત્રીજી ઇમારતમાં બ્રિટિશ અર્મેનિયમ ગેલેરી, સુરતના ઇતિહાસના આકર્ષણનાં કેન્દ્રો છે. ઉલ્લેખીય છે કે, કિલ્લાના રિનોવેશન કામમાં ક્યાંય સિમેન્ટનો ઉપયોગ કરાયો નથી.

