સ્કોટલેન્ડમાં ભારતીય ઉદ્યોગપતિ ચૂકવશે 6 લાખ પાઉન્ડનો ટેક્સ

Wednesday 15th February 2023 07:40 EST
 
 

નવી દિલ્હીઃ સ્કોટલેન્ડમાં બેન્ક ખાતાંમાંથી 10 લાખ પાઉન્ડ મળી આવ્યા પછી ભારતીય મૂળના ઉદ્યોગપતિ ટેક્સ પેટે 6 લાખ પાઉન્ડ ચૂકવવા સંમત થયા છે. આ ટેક્સ સેટલમેન્ટને સ્કોટલેન્ડનો સૌથી મોટો ટેક્સ સેટલમેન્ટ માનવામાં આવી રહ્યો છે.સ્કોટલેન્ડના ઇસ્ટ લોથિઅન રિજિયનના રહેવાસી 44 વર્ષીય ગોલજાર સિંહે સિવિલ રિકવરી યુનિટ અને હિસ મેજેસ્ટી રેવન્યુ એન્ડ કસ્ટમ્સ સાથે કરાર કર્યો છે.
સ્કોટલેન્ડ પ્રોસેક્યુશન સર્વિસના જણાવ્યા અનુસાર ચાલુ સપ્તાહમાં ગોલઝાર સિંહના બિઝનેસ સાથે સંકળાયેલાં બેન્ક ખાતાંમાં 10 લાખ પાઉન્ડ જપ્ત કરવામાં આવ્યા છે. ક્રાઉન ઓફિસ એન્ડ પ્રોસેક્યુરેટર ફિસ્કલ સર્વિસના જણાવ્યા અનુસાર સીઆરયુ અત્યાર સુધીની સૌથી મોટી રોકડ રકમ જપ્ત કરાઈ છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર આ કેસની સૌપ્રથમ વખત જાણ માર્ચ - 2021માં થઈ હતી. તે સમયે ગોલઝાર સિંહના બેન્ક ખાતાઓમાં મોટા પ્રમાણમાં રોકડ જમા કરાવવામાં આવી હતી. આ રકમ એવા સમયે જમા કરાવવામાં આવી હતી, જ્યારે સ્કોટલેન્ડમાં કોરોનાનું લોકડાઉન ચાલી રહ્યું હતું.
મે 2021માં પોલીસે ગોલઝારના ઘરમાં દરોડા દરમિયાન નાણાં ભરેલાં 3000 કવર જપ્ત કર્યાં હતાં. જેને સૂટકેસ અને બેગમાં રખાયાં હતાં. તે સમયે કુલ 6.92 લાખથી વધુ પાઉન્ડ મળી આવ્યા હતા.


comments powered by Disqus