સ્ડિવિશ દંપતીએ ગોધરા બાળગૃહથી બાળક દત્તક લીધું

Wednesday 15th February 2023 07:10 EST
 
 

ગોધરાઃ પ્રેમ અને પ્રેમાળ પરિવાર દરેક બાળકની જરૂરિયાત અને અધિકાર છે અને તે દિશામાં પ્રયાસો ક૨વા આપણી ફરજ છે, ત્યારે ગોધરા શહેરના પથ્થર તલાવડી વિસ્તારમાં આવેલા બાળગૃહમાં સોમવારે એક વર્ષ ત્રણ માસના બાળક આરવને સ્વીડનના સ્ટોકહોમ શહેરનાં દંપતી હેન્સ માઇકલ અને લીના માર્ગરિટા દ્વારા દત્તક લેવામાં આવ્યું છે. એક વર્ષ ત્રણ માસ અગાઉ આરવ નામનું બાળક મહીસાગર જિલ્લાના ખેતરમાંથી ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવ્યું હતું અને ગોધરા ચિલ્ડ્રન હોમ લાવવામાં આવ્યું હતું. ચિલ્ડ્રન હોમમાં સતત સારવાર અને હૂંફને પરિણામે તે ચાલતા થઈને થોડાક શબ્દો બોલતાં પણ શીખ્યું છે. ગોધરા ખાતે બાળગૃહમાં સરકારી નીતિ-નિયમો મુજબ દત્તક લેનારા સ્વીડિશ દંપતી પૈકી માતા લીના માર્ગરિટા પણ વર્ષો અગાઉ તામિલનાડુના બાળગૃહમાંથી સ્વીડિશ પરિવાર દ્વારા દત્તક લેવામાં આવ્યાં હતાં. આ ઘટનાથી પ્રેરાઈને તેઓ હંમેશાંથી એક બાળક દત્તક લઈ તેને પ્રેમ અને પરિવાર આપવાની ઇચ્છા ધરાવતાં હતાં.


comments powered by Disqus