બનાસકાંઠાઃ અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ થતાં ભક્તો દ્વારા સતત વિરોધ નોંધાવવામાં આવી રહ્યો હતો. આ સમગ્ર મામલાને રાજ્ય સરકાર દ્વારા ગંભીરતાથી લઈ 14 માર્ચે એક બેઠક કરવામાં આવી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો, સાથે જ ચિક્કીના પ્રસાદને પણ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મોહનથાળ-ચિક્કી બંને પ્રસાદ મળશે
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલના કાર્યાલય ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં અંબાજી મંદિર ટ્રસ્ટના હોદ્દેદારો સહિત મંદિરના પૂજારીઓ પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ યથાવત્ જ રાખી ચિક્કીના પ્રસાદનો ઉમેરો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે વિદેશમાં પ્રસાદ મોકલતાં મોહનથાળનો પ્રસાદ બગડી જતો હોવાના દૃષ્ટિકોણના આધારે ચિક્કીનો પ્રસાદ પણ રાખવામાં આવ્યો છે.
ભક્તોની આસ્થાને જોતાં નિર્ણય લેવાયોઃ ઋષિકેશ પટેલ
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, માઇભક્તો અને અનેક સંગઠનોની આસ્થાને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે, જે મુજબ મોહનથાળના પ્રસાદની સાથે ચિક્કીના પ્રસાદનો ઉમેરો કરવામાં આવ્યો છે. આ સાથે મોહનથાળના પ્રસાદની ગુણવત્તામાં સુધારો કરવામાં આવશે અને તે કોને બનાવવા કોન્ટ્રાક્ટ આપવો તે અંગે મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે 4 માર્ચથી મોહનથાળનો પ્રસાદ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવતાં રાજ્યમાં અનેક સ્થળે આ અંગે આંદોલનો થયાં હતાં. વિશ્વ હિન્દુ પરિષદે પણ આ આંદોલનમાં ઝંપલાવ્યું હતું. આ અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે અગાઉ નિવેદન આપ્યું હતું કે, કોઈપણ ભોગે ચિક્કીનો જ પ્રસાદ આપવામાં આવશે, જે બાદ વિહિપ દ્વારા ધરણાં યોજી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ આંદોલનમાં હિન્દુ હિતરક્ષક સમિતિ દ્વારા અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટને 48 કલાકનું અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું હતું. આ સાથે હિન્દુ હિતરક્ષક સમિતિએ 48 કલાકમાં મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ ન થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

