મોદીએ મુખ્યમંત્રી અને પાટીલ સાથે બેઠક યોજીઃ બોર્ડ-નિગમોનાં નામ નક્કી થયાં?

Tuesday 14th March 2023 05:53 EDT
 
 

ગાંધીનગર: અમદાવાદમાં ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન સાથે મેચ નિહાળ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સીધા જ રાજભવન પહોંચ્યા હતા. અહીંતેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાથે મળીને ગુજરાત સરકારના બોર્ડ અને નિગમમાં રાજકીય પ્રતિનિધીઓની નિમણૂક અંગે ચર્ચા કરી હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ હવે મુખ્યમંત્રી ખૂબ ઝડપથી આ નિમણૂકો જાહે૨ ક૨શે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિલ્હી મુલાકાત દરમિયાન મોદી સાથે બોર્ડ નિગમોમાં ભાજપના નેતાઓની નિમણૂકને લઇને જ ચર્ચા કરી હતી. આ માટેના નામોના આખરીકરણ માટે તેમણે મુખ્યમંત્રી અને પાટીલ સાથે બેસીને ચર્ચા કરી હોવાનું મનાય છે. આ સિવાય મોદીએ એક રાજકીય બાબતની બેઠક યોજી હતી, જેમાં મુખ્યમંત્રી અને પાટીલ ઉપરાંત ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર પણ હાજર રહ્યા હતા, જેમાં લોકસભા ચૂંટણીને લઇને ગુજરાત ભાજપની તૈયારી અંગે ચર્ચા થઇ હતી. મોદી બપોરે 2.30 વાગ્યાના બદલે સાંજે 5.30 વાગ્યે દિલ્હી જવા રવાના થયા હતા.
શંકરસિંહ વાઘેલા રાતના અંધારામાં મળ્યા
ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા બુધવારે રાત્રે જ એરપોર્ટ પર પહોંચીને વડાપ્રધાનને મળ્યા હતા. એકબીજાના રાજકીય હરીફ ગણાતા મોદી અને વાઘેલા વચ્ચે ઔપચારિક મુલાકાત થઇ હતી. જેમાં વાઘેલાએ મોદીને પોતાના પૌત્રના લગ્નમાં આવવા આમંત્રણ પાઠવ્યું હતું.
સરકારી પ્રોજેક્ટની પ્રગતિ બાબતે ચર્ચા
વડાપ્રધાને મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાશનાથન, મુખ્યમંત્રીના સલાહકાર હસમુખ અઢિયા અને એસ એસ રાઠૌર સાથે ચર્ચા કરી હતી. આ બેઠકમાં દિવાળીના પર્વે સુરત શહેરમાં મેટ્રો ટ્રેનના ટ્રાયલ રન, બુલેટ ટ્રેઇન પ્રોજેક્ટની પ્રગતિ, સાબરમતી આશ્રમ પ્રોજેક્ટ તથા સરકારી જાહેર સાહસોના વિનિવેશીકરણ અંગે ચર્ચા થઇ હોવાનું જાણવા મળ્યું છે.


comments powered by Disqus