લાલુના નિકટના લોકો પર દરોડામાં રૂ. 600 કરોડની ગેરકાયદે આવકનો પર્દાફાશ

Wednesday 15th March 2023 06:50 EDT
 
 

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ નોકરીના બદલામાં જમીનના કૌભાંડમાં મની લોન્ડરિંગના કેસમાં કાર્યવાહી કરતાં રાજદ પ્રમુખ લાલુપ્રસાદ યાદવના પરિવારજનોના ઘરો-પરિસરો પર દરોડો પાડ્યા પછી રૂ. 1 કરોડની 'બેનામી રોકડ' સહિત રૂ. 600 કરોડના મૂલ્યના ગેરકાયદે નાણાકીય વ્યવહારો પણ પકડી પાડ્યા છે. ઈડીએ જણાવ્યું કે, લાલુપ્રસાદ યાદવ અને તેમના પરિવાર તથા નજીકના સાથીઓએ રિયલ એસ્ટેટ સહિત વિવિધ સેક્ટર્સમાં ગેરકાયદે કમાણીનું રોકાણ કર્યું છે, જેને બહાર લાવવા તપાસ ચાલુ છે.
ઈડીએ લાલુના પરિવારના પુત્ર, પુત્રીઓ અને અન્ય નિકટના સભ્યોના 24 પરિસરો પર શુક્રવારે દરોડા પાડ્યા હતા. લાલુ પ્રસાદ યાદવ પર આક્ષેપ કરાયો છે કે વર્ષ 2004થી 2009માં યુપીએ સરકાર સમયે રેલવે મંત્રી તરીકે લાલુપ્રસાદ યાદવના કાર્યકાળ દરમિયાન યાદવ પરિવાર અને તેમના સાથીઓએ રેલવેમાં નોકરી અપાવવાના બદલામાં તેમની પાસેથી સસ્તા ભાવે જમીનો ભેટમાં મેળવી હતી અથવા બજાર કરતાં ખૂબ જ નીચા ભાવે જમીનો ખરીદી હતી. આ કૌભાંડમાં સીબીઆઈએ તેજસ્વી યાદવને પણ પૂછપરછ માટે શનિવારે સમન્સ પાઠવ્યું હતું, પરંતુ તેજસ્વી યાદવ હાજર થઈ શક્યા નહોતા.
ઈડીએ જણાવ્યું હતું કે, ઈડીના દરોડા દરમિયાન લાલુ પ્રસાદ યાદવના પરિવારજનોના પરિસરોમાંથી રૂ. 1 કરોડની બેનામી રોકડ, 1,900 યુએસ ડોલર સહિત વિદેશી ચલણ, રૂ. 1.25 કરોડના મૂલ્યના 1.5 કિલોના સોનાનાં ઘરેણાં, 540 ગ્રામની સોનાની લગડીઓ જપ્ત કરાઈ હતી. ઈડીએ ઉમેર્યું હતું કે, આ સિવાય વિવિધ મિલકતોના દસ્તાવેજો, વેચાણ કરાર વગેરે સહિત અન્ય દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે, જે લાલુ યાદવના પરિવારના સભ્યો અથવા બેનામી છે, જે સંકેત આપે છે કે લાલુના પરિવારે ગેરકાયદે રીતે જંગી લેન્ડ બેન્ક એકત્ર કરી છે. દરોડામાં રૂ. 600 કરોડની સંપત્તિ ઊજાગર થઈ છે.


comments powered by Disqus