વડોદરાઃ સમિયાલામાં લગ્નના વરઘોડામાં ફટાકડા ફોડવા બાબતે બે કોમ વચ્ચે અથડામણ થઈ હતી. તે પછી તાલુકા પોલીસે બંને કોમના 37 આરોપી સામે ગુનો દાખલ કર્યો હતો. જે બાદ પોલીસ અને વહીવટી તંત્રે સમિયાલા પંચાયત સંકુલમાં શાંતિ સમિતિની બેઠક યોજી હતી. જેમાં પોલીસે જણાવ્યું કે, જે ગુનો નોંધાયો તેમાં ધરપકડ થશે પણ ગુનામાં 7 વર્ષની સજા જોગવાઈ છે, તે જોતાં જો હિન્દુ આરોપીના જામીન મુસ્લિમ અને મુસ્લિમમાં આરોપીના જામીન હિન્દુ આગેવાનો થાય તો કોમી એખલાસનો દાખલો બેસશે. પોલીસની વાત સાથે હિન્દુ-મુસ્લિમ આગેવાનો સંમત થયા હતા.
સમિયાલા ખાતે શુક્રવારે રાત્રે કોમી છમકલા બાદ પોલીસ અને તંત્રના પ્રયાસ બાદ પ્રકરણનો સુખદ અંત આવ્યો છે. શાંતિ સમિતિની બેઠકમાં પોલીસ અને વહીવટી અધિકારીઓ, બંને કોમના આગેવાનો હાજર રહ્યા હતા, જેમાં બંને હિન્દુ આરોપીના મુસ્લિમ આગેવાનો અને મુસ્લિમ આરોપીના હિન્દુ આગેવાનોએ જામીન થવાનો નિર્ણય કરતાં 24 કલાકમાં પોલીસે શાંતિ સ્થાપવાનો પ્રયાસ કર્યો હતો.
શાંતિ સમિતિની બેઠકમાં મહત્ત્વના નિર્ણય બાદ હવે ગામમાં ડીજે વગાડવા અને વરઘોડામાં ફટાકડા ફોડવા અંગે શાંતિ સમિતિની વધુ એક બેઠક મળશે. જેમાં ધાર્મિક સ્થળો પાસે લાગણી દુભાય તે રીતે ફટાકડા ન ફોડવા અંગે પણ નિર્ણય થશે. હિન્દુના વરઘોડાનું મુસ્લિમ આગેવાનો અને મુસ્લિમના વરઘોડાનું હિન્દુ આગેવાનો દ્વારા સ્વાગત થાય તો કોમી એખલાસ વધુ પ્રબળ બને તે અંગે પણ નિર્ણય થશે. પોલીસે 36 વ્યક્તિની અટક કરી છે, જેમાં 22 હિન્દુ અને 15 મુસ્લિમ આરોપીનો સમાવેશ થતો હતી. જો કે બંને કોમના આરોપીઓના જામીન ગામના લોકો થતાં સમિયાલામાં ફરી શાંતિ સ્થપાઈ હતી.

