દિલ્હીઃ લીકર પોલિસી કૌભાંડ મામલે પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની સીબીઆઇ બાદ હવે ઇડીએ ધરપકડ કરી છે. આ કેસમાં તેમની જામીન અરજી મામલે વિશેષ અદાલતમાં આજે હાથ ધરાનારી સુનાવણી પૂર્વે ઇડી દ્વારા ધરપકડથી તેમની મુશ્કેલીઓ વધી છે. ઇડીએ લીકર પોલિસીમાં આચરવામાં આવેલી કથિત ગેરરીતિઓ મામલે મની લોન્ડરિંગની તપાસના ભાગરૂપે સતત બે દિવસ સુધી તિહાડ જેલમાં સિસોદિયાની પૂછપરછ બાદ ધરપકડ કરી હતી.
ઇડી તેમને આજે કોર્ટમાં રજૂ કરશે અને તેમની જામીન અરજી મામલે પણ વિશેષ અદાલતમાં આજે સુનાવણી થશે. ઇડીએ અગાઉ 7 માર્ચે તિહાડ જેલમાં પાંચ કલાક સુધી સિસોદિયાનું નિવેદન લીધું હતું. 26 ફેબ્રુઆરીએ સીબીઆઇ દ્વારા ધરપકડ કરાયા બાદ હાલ સિસોદિયા જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. તેમને તિહાડ જેલના એક નંબરના સેલમાં રખાયા છે. ઇડીએ લોકલ કોર્ટની મંજૂરી મેળવ્યા બાદ તેમની પૂછપરછ કરી હતી. સિસોદિયાએ તેમની પાસેના કેટલાક મોબાઇલ ફોનનો નાશ કર્યો હોવા અંગે અને કેટલાક મોબાઇલ ફોન બદલ્યા હોવા અંગે તથા દિલ્હીના એક્સાઇઝ મિનિસ્ટર તરીકે લીકર પોલિસીના નિર્ણયો અને ટાઇમલાઇન બાબતે ઇડીએ તેમની પૂછપરછ કરી હોવાનું મનાય છે. દિલ્હીની કેજરીવાલ સરકાર સામે આરોપ છે કે તેણે 2021- 22ની લીકર પોલિસી ઘડતી વખતે કેટલાક માનીતા શરાબ વેપારીઓ સાથે કાર્ટેલ રચી હતી અને તેના બદલામાં તેમની પાસેથી જંગી રકમની લાંચ લેવાઇ હતી. બાદમાં સીબીઆઇ તપાસના દિલ્હીના ઉપરાજ્યપાલ વી. કે. સક્સેનાના આદેશ પછી આ લીકર પોલિસી રદ કરવામાં આવી હતી અને દિલ્હીના ઉપરાજ્યપાલે આ મામલે સીબીઆઇ તપાસનો આદેશ કર્યો હતો, જેના પગલે ઇડીએ સિસોદિયા સહિતના આરોપીઓ સામે પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો હતો.

