નવી દિલ્હીઃ સજાતીય લગ્નોને કાનૂની માન્યતા આપવાની માગણી કરતી અરજીઓનો કેસ સુપ્રીમ કોર્ટ દ્વારા પાંચ જિસની બંધારણીય બેન્ચને સોંપવામાં આવ્યો છે. આ અરજીઓ પરની સુનાવણી 18મી એપ્રિલથી હાથ ધરવામાં આવશે. ચીફ જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડના વડપણ હેઠળની બેન્ચે કહ્યું હતું કે, આ મુદ્દો મૌલિક મહત્ત્વ ધરાવે છે. જેમાં એક તરફ બંધારણીય અધિકારો અને બીજી તરફ સ્પેશિયલ મેરેજ એક્ટ સહિત અન્ય કાયદાઓ પરસ્પર સંકળાયેલા છે. આથી તેના પર તમામ પાસાંને ધ્યાનમાં લઈને વિચાર કરવો જરૂરી છે. આને કારણે બંધારણની કલમ 145 (3) ને લગતા મુદ્દા પર 5 જજની બંધારણીય બેન્ચ વિચાર કરીને સુનાવણી કરે તેવું અમારું માનવું છે. કેસ અંગે દેશના તમામ લોકો જાણવા માગતા હોવાથી સુનાવણીનું લાઈવ સ્ટ્રીમિંગ કરાશે.

