સૃષ્ટિ રૈયાણી હત્યાકેસમાં 727 દિવસ બાદ આરોપીને ફાંસીની સજા

Wednesday 15th March 2023 05:54 EDT
 
 

રાજકોટઃ જેતપુરના જેતલસરમાં સૃષ્ટિ રૈયાણી હત્યાકેસમાં કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપતાં આરોપીને 727 દિવસ બાદ ફાંસીની સજા ફટકારી છે. તમને જણાવી દઈએ કે, જેતલસર ગામે 16 માર્ચ 2021ના રોજ ધોરણ-11માં અભ્યાસ કરતી સગીરાની છરીના 34 ઘા ઝીંકીને હત્યા કરાઈ હતી. આ સાથે જ વચ્ચે પડેલા તેના ભાઈ હર્ષ રૈયાણીને પણ આરોપીએ છરીના પાંચ જેટલા ઘા ઝીંકી દીધા હતા.
આ મામલે એડિશનલ સેશન્સ કોર્ટે મહત્ત્વપૂર્ણ ચૂકાદો આપતાં આરોપીને મૃત્યુદંડની સજા ફટકારી છે, તેમજ સૃષ્ટિના ભાઈની હત્યાના પ્રયાસમાં 10 વર્ષ સજા અને રૂ. 5000 દંડ, પોક્સો કેસમાં 3 વર્ષની સજા અને રૂ. 2500 દંડ ફટકાર્યો છે.
ધો.11માં અભ્યાસ કરતી સૃષ્ટિની જેતપુરના જેતલસરમાં આવેલા તેના ઘરમાં જ હત્યા થઈ હતી. આરોપી જયેશ સરવૈયા સૃષ્ટિ રૈયાણીના એકતરફી પ્રેમમાં હતો અને તેને પામવા વારંવાર પ્રયાસ કરતો હતો.
એક દિવસ જ્યારે સૃષ્ટિનાં માતા-પિતા ખેતમજૂરીએ ગયાં હતાં ત્યારે એકલતાનો લાભ લઈ આરોપી જયેશ તેના ઘરમાં ઘૂસી ગયો હતો અને સગીરાને લગ્ન માટે દબાણ કર્યું હતું. જો કે સૃષ્ટિ આરોપીના તાબે ન થતાં તેને ઢોરમાર માર્યો હતો અને 'મારી નહીં તો કોઈની નહીં' એવું કહી તેના પર હુમલો કર્યો હતો. આ હુમલામાં આરોપી જયેશે સૃષ્ટિને છરીના 34 જેટલા ઘા માર્યા હતા, જેમાં તેનું મોત થયું હતું. આ હુમલામાં સૃષ્ટિનો ભાઈ પણ ઘાયલ થયો હતો.


comments powered by Disqus