સુરતઃ કિરણ હોસ્પિટલ બનાવ્યા પછી શહેરના હીરા ઉદ્યોગકારો રૂ. 425 કરોડના ખર્ચે બીજી વિશાળ હોસ્પિટલ ઊભી કરશે. પાલિકાએ આ માટે મોટા વરાછામાં રૂ. 80 કરોડનું બજારમૂલ્ય ધરાવતી જમીન ફાળવ્યા પછી 11 માર્ચે શહેરના ડાયમંડ એસોસિયેશનના આરોગ્ય ટ્રસ્ટે આ જાહેરાત કરી હતી. એટલું જ નહીં આ હોસ્પિટલનું નામ પણ કિરણ હોસ્પિટલ-2 રાખીને તેના માટે ‘નાના માણસોની મોટી હોસ્પિટલ’ સ્લોગન વહેતું કર્યું હતું.
સુરત ડાયમંડ એસોસિયેશનનું આરોગ્ય ટ્રસ્ટ વરાછા રોડ પર ડાયમંડ હોસ્પિટલ સફળતાપૂર્વક ચલાવી રહ્યું છે. અનેક સામાન્ય પરિવારના દર્દીઓ તેનો લાભ મેળવી ચૂક્યા છ. આ ડાયમંડ એસોસિયેશને મોટા વરાછા-ઉતરાણ વિસ્તારમાં કિરણ હોસ્પિટલ-2 નામનો વિશાળ હોસ્પિટલનો પ્રોજેક્ટ સાકાર કરવા માટે જાહેરાત કરી છે. સુરત ડાયમંડ એસોસિયેશનના આરોગ્ય ટ્રસ્ટના પ્રમુખ સી.પી. વાનાણી, ઉપપ્રમુખ કેશુભાઈ ગોટી અને મહામંત્રી દિનેશભાઈ નાવડિયાએ કિરણ હોસ્પિટલ-2 અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, પાટીદાર સમાજની હોસ્પિટલમાં મુખ્યદાતા રહી ચૂકેલા ડાયમંડ ઉદ્યોગ અગ્રણી કિરણ જેમ્સના વલ્લભભાઈ એસ. પટેલ દ્વારા જ આ સૂચિત કિરણ હોસ્પિટલ-2 ના નામકરણ માટે રૂ. 25 કરોડનું માતબર દાનની જાહેરાત કરવામાં આવી છે.

