1000 દેહદાન કરનારો ભાવનગર દેશમાં સૌપ્રથમ જિલ્લો

Wednesday 29th November 2023 05:48 EST
 

ભાવનગરઃ દેહદાન બાબતે ગુજરાત સમગ્ર દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે. 89 વર્ષીય કિશોરકાંત ભાનુશંકર મહેતાનું અવસાન થતાં સ્વર્ગસ્થની અને તેમના પરિવારજનોની ઇચ્છા મુજબ તેમનું દેહદાન કરવામાં આવ્યું હતું. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા આ દેહદાન સ્વીકારવામાં આવતાં સેવાકીય ક્ષેત્રે એક અનોખો વિક્રમ સર્જાયો હતો.
ભાવનગર રેડક્રોસ સોસાયટીને ભાવનગરમાંથી એક હજારમું દેહદાન મળતાં સમગ્ર દેશમાં આ કોઈ એક જિલ્લાક્ષેત્રે વિક્રમ હોવાનું ભાવનગર રેડક્રોસના સુમિતભાઈ ઠક્કરે જણાવ્યું હતુ. રેડક્રોસ દ્વારા પ્રતિવર્ષ 55 થી 60 જેટલા દેહદાનનો સ્વીકાર કરવામાં આવે છે, જેને ગુજરાતભરની વિવિધ મેડિકલ કોલેજોમાં તબીબી અભ્યાસ હેતુથી મોકલવામાં આવે છે અને 250થી વધુ ચક્ષુદાન પ્રાપ્ત થાય છે.
ભાવનગરમાં વર્ષ 1975માં પ્રથમ દેહદાન મળ્યા બાદ આજસુધીમાં એટલે કે 48 વર્ષના સમયગાળા દરમિયાન કુલ 1000 દેહદાન મળ્યાં છે. જેમાં છેલ્લાં 10 વર્ષમાં ભાવનગર રેડક્રોસને 95 બહેનો અને 181 પુરુષો મળીને કુલ 276 દેહદાન મળ્યાં છે.
માનભાઈ ભટ્ટનો અમૂલ્ય ફાળો
શિશુવિહાર સંસ્થાના સ્થાપક સ્વ. માનભાઈ ભટ્ટે દેહદાન-ચક્ષુદાનની પ્રવૃત્તિને વિકસાવવામાં આજીવન અમૂલ્ય ફાળો આપ્યો છે.
ભાવનગરમાં દેહદાનની સેવાઓ મૂકસેવક માનભાઈ ભટ્ટ દ્વારા શરૂ કરાઈ હતી. 1975માં ભાવનગરમાં સૌપ્રથમ દેહદાન ઉદાસીન સંતકુટિરના મહંત અને પ્રખર વિદ્વાન પૂ. દર્શનદાસજીનું મળ્યું હતું. ત્યારબાદ સામાજિક પછાત અને ધાર્મિક માન્યતાને હિસાબે જુદીજુદી વિચારસરણી ધરાવતા મુસ્લિમ સમુદાય દ્વારા પણ દેહદાન મળ્યાં છે. આ સાથે જ તેમનો આ પ્રયાસ હાલમાં વિશાળ રૂપ લઈ ચૂક્યો છે અને દેશભરમાં ભાવનગર 1000 દેહદાન સાથે પ્રથમ ક્રમે આવ્યું છે.


comments powered by Disqus