26/11ના હુમલાને 15 વર્ષ પૂર્ણઃ સમુદ્રકિનારો હજુ રામભરોસે

Wednesday 29th November 2023 06:28 EST
 
 

અમદાવાદઃ મુંબઈ શહેર પર 15 વર્ષ પૂર્વે 26 નવેમ્બરે સમુદ્ર માર્ગે આવેલા આતંકીઓએ બોલાવેલી જાનમાલની ખુવારીની યાદ હજી પણ લોકોના હૈયે ઘા રૂપે કંડારાયેલી છે. આમ છતાં મુંબઈનો સમુદ્ર કિનારો હજી પણ ભગવાન ભરોસે હોવાનું ચિત્ર જોવા મળી રહ્યું છે. શહેરના 114 કિ.મી. લાંબા સમુદ્રકિનારાની સુરક્ષા માટે પોલીસ પાસે પૂરતી બોટ પણ નથી.
2008માં થયેલા ગોઝારા હુમલા બાદ સાગર સુરક્ષા કડક બનાવવા લેવાયેલી 23 બોટ પૈકી 8 જ બોટ વપરાઈ રહી છે. 22 બોટની આવશ્યકતા જણાવતાં પોલીસનો પ્રસ્તાવ એક વર્ષથી સરકાર પાસે ધૂળ ખાઈ રહ્યો છે. જો કે નવી નહીં પણ જૂની બોટનું આધુનિકીકરણ કરવાના પ્રસ્તાવને પણ હજી કોઈ પ્રતિસાદ નથી મળ્યો.
સફાળી જાગેલી સરકારે કરોડોનો ખર્ચ કરીને યંત્ર સામગ્રી, વાહનો અને બોટ્સ ખરીદી હતી. 23 બોટ પૈકી 4 સીગેલ બોટ, 19 એમ્ફિબિયસ વાહન પોલીસદળમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. 15 વર્ષે આ બધાની અવસ્થા ભંગાર જેવી થઈ ગઈ છે.


comments powered by Disqus