દહેરાદૂનઃ ઉત્તરાખંડમાં યમુનોત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સિલ્ક્યારાથી ડંડલગામને જોડતી નિર્માણાધીન ટનલમાં 12 નવેમ્બરથી ફસાયેલા 41 શ્રમિકોનું 17 દિવસ બાદ સફળ રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ ટનલમાંથી બચાવવામાં આવેલા તમામ 41 શ્રમિકો સ્વસ્થ છે.
12 નવેમ્બરથી ફસાયેલા આ તમામ શ્રમિકોને બચાવવા માટે સતત 17 દિવસથી અથાક પ્રયત્નો કરવામાં આવી રહ્યા હતા. રેસ્ક્યૂ ટીમે રેટ હોલ માઇનિંગ અને વર્ટિકલ ડ્રિલિંગ દ્વારા સુરંગ ખોદીને આ તમામ શ્રમિકોને બચાવ્યા છે. આ સુરંગમાંથી શ્રમિકોને બહાર લાવ્યા બાદ સીધા જ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે તમામ શ્રમિકો સ્વસ્થ જણાઈ રહ્યા છે.
ઉત્તરાખંડના ઉત્તરકાશીની સિલક્યારા ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોને નવી જિંદગી મળી છે. 17 દિવસના રેસ્ક્યૂ મિશન બાદ મંગળવારે રેટ હોલ માઇનિંગ સિસ્ટમ 57 મીટર ઊંડું મેન્યુઅલ ખોદકામ કરીને 41 શ્રમિકોને બહાર કાઢવામાં આવ્યા હતા. જો કે એકસાથે શ્રમિકોને બહાર નહોતા કાઢવામાં આવ્યા, સૌથી પહેલાં 5 શ્રમિકોને બહાર કઢાયા બાદ તબક્કાવાર અન્ય શ્રમિકોને બહાર કાઢવામાં આવ્યા હતા. શ્રમિકોને ટનલમાંથી બહાર આવતાં જ તાત્કાલિક સારવાર માટે ટનલના પ્રવેશદ્વાર પાસે 41 એમ્બુલન્સ પણ તહેનાત કરી દેવાઈ હતી.
રેટ હોલ માઇનિંગથી શ્રમિકોને બહાર કઢાયા
ઉત્તરકાશીની સુરંગમાં ફસાયેલા 41 શ્રમિકો માટે રેટ હોલ માઇનિંગ નામની સિસ્ટમ જીવતદાન બની. રેટ હોલ માઇનિંગ દ્વારા જ તેમને બહાર લાવવામાં આવ્યા હતા. રેટ હોલ માઇનિંગ દ્વારા 57 મીટરનું ખોદકામ કરાયું હતું. ઉત્તરકાશીની નિર્માણાધીન સિલ્ક્યારા ટનલમાં 17 દિવસ સુધી ફસાયેલા 41 શ્રમિકો માટે મંગળવારનો દિવસ મહત્ત્વનો સાબિત થયો હતો. ફસાયેલા શ્રમિકોને બહાર કાઢવા રેટ હોલ માઇનિંગ પદ્ધતિ દ્વારા ટનલની અંદર મેન્યુઅલ ડ્રિલિંગ હાથ ધરાયું હતું.
એજન્સીઓની સખત મહેનત
ઉત્તરકાશીની સિલ્ક્યારા સુરંગમાં ફસાયેલા શ્રમિકોને બચાવવા માટે બચાવ ટુકડીઓએ સખત મહેનત કરી હતી. ઓગર મશીનની નિષ્ફળતા પછી રેટ માઇનર્સે બાકીનું કામ પૂર્ણ કરવાની જવાબદારી લીધી હતી. જ્યારે ભારત અને વિદેશનાં મોટાં મશીનો 17 દિવસથી ટનલમાં ફસાયેલા શ્રમિકોને બચાવવામાં નિષ્ફળ ગયાં ત્યારે રેટ માઇનર્સ ચમત્કાર કરતાં જોવા મળ્યા હતા. સોમવારથી રેટ માઇનર્સે 4-5 મીટર ખોદકામ કર્યું હતું. ઉત્તરાખંડના સીએમ પુષ્કરસિંહ ધામીએ કહ્યું કે, એક તરફ57 મીટરના અંતર સુધી પાઇપ નાખવામાં આવી હતી, બીજી તરફ પર્વત પર 86 મીટરનું વર્ટિકલ ડ્રિલિંગ કરાયું હતું.
ઓગર મશીન પણ થયાં હતાં ફેલ
શ્રમિકોને બચાવવા ટનલ પર ઓગર મશીન લગાવાયાં હતાં, જે 48 મીટર ખોદ્યા બાદ ટનલમાં ફસાઈ ગયું હતું. આ પછી તેને કાપીને બહાર કાઢવામાં આવ્યું હતું. આ પછી રેટ માઇનર્સે 800 મિ.મી. વ્યાસની પાઇપમાં પ્રવેશ કરીને હાથ વડે કાટમાળ દૂર કર્યો હતો, જેથી તેમની આગળ પાઇપો નાખી શકાય.
પ્રધાનમંત્રી ભાવુક થયા
તમામ 41 શ્રમિકોના સફળ રેસ્ક્યૂ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું કે, ઉત્તરકાશીમાં આપણા શ્રમિક ભાઈઓના રેસ્ક્યૂ ઓપરેશનની સફળતા તમામ લોકોને ભાવુક કરનારી છે. ટનલમાં જે સાથીઓ ફસાયા હતા, તેમને હું કહેવા માગું છું કે આપનું સાહસ અને ધૈર્ય તમામ લોકોને પ્રેરિત કરે છે. હું આપ સૌની કુશળતા અને ઉત્તમ સ્વાસ્થ્યની કામના કરું છું. પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું કે, આ અત્યંત સંતોષની વાત છે કે લાંબી રાહ બાદ હવે આપણા સાથીઓ તેમનાં પ્રિયજનોને મળશે. આ તમામ લોકોનાં પ્રિયજનોએ પણ આ પડકારજનક સમયમાં જે સંયમ અને સાહસનો પરિચય આપ્યો છે, તેની જેટલી સરાહના કરવામાં આવે તેટલી ઓછી છે.
હું આ બચાવ અભિયાનમાં જોડાયેલા તમામ લોકોની ઇચ્છાશક્તિને સલામ કરું છું. તેમની બહાદુરી અને સંકલ્પશક્તિએ આપણા શ્રમિક ભાઈઓને નવજીવન આપ્યું છે. આ મિશનમાં સામેલ તમામે માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
ઉત્તરકાશીની દુર્ઘટનાએ ચિલીની યાદ તાજા કરી
ઉત્તરકાશીના ઘટનાક્રમે 2010ની ચિલીની ખાણ દુર્ઘટનાની યાદ પણ તાજા કરી. ચિલીની આ ઘટનામાં 69 દિવસ સુધી બચાવ કામગીરી ચાલી હતી અને 33 શ્રમિકોનું રેસ્ક્યૂ કરાયું હતું. પૃથ્વીના પેટાળમાં તેમની હયાતીની માહિતી મેળવવામાં જ બે અઠવાડિયા કરતાં વધુ સમય વીતી ગયો હતો. આ દુર્ઘટનાએ અનેક શ્રમિકોના પરિવારોને એક કરી દીધા, તો ખાણિયાએ છુપાવી રાખેલાં રહસ્ય પણ બહાર આવી ગયાં હતાં.

